Gujarat Rain: અષાઢ મહિનાના આરંભ સાથે શરૂ થયેલા વરસાદના તોફાની રાઉન્ડે છેલ્લા પાંચેક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગમાં જળતાંડવ જેવી સ્થિતિ સર્જી હતી. જો કે આજે વહેલી સવારથી વરસાદની તીવ્રતા ઘટી ગઈ હોય તેમ આજે આખા દિવસ દરમિયાન માત્ર 7 તાલુકામાં જ 2 ઈંચથી વધુ વરસાદ સાથે 233 તાલુકામાં ઝાપટા નોંધાયા છે.
હકીકતમાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા પાંચેક દિવસથી વરસાદનું જોર વધારે જોવા મળ્યું હતુ. આ દરમિયાન અનેક તાલુકાઓમાં તો આખા દિવસમાં 10-12 ઈંચથી વધુ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું હતુ.
જો કે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવાર 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 203 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 123 મિ.મી (4.8 ઈંચ) વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ખાબક્યો છે.
આ સિવાય બનાસકાંઠાના ઓગડ તાલુકામાં 98 મિ.મી (3.8 ઈંચ), ખેડાના નડિયાદમાં 84 મિ.મી (3.3 ઈંચ), વલસાડના નાનાપોંઢામાં 77 મિ.મી (3.03 ઈંચ), નવસારીના ખેરગામમાં 69 મિ.મી (2.7 ઈંચ), વાવ-થરાદના દિયોદરમાં 60 મિ.મી (2.3 ઈંચ) અને લાખણીમાં 54 મિ.મી (2.1 ઈંચ) વરસાદ વરસ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 33 તાલુકામાં 1 ઈંચથી વધુ, 7 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જ્યારે રાતે 8 થી 10 વાગ્યા સુધીના વીતેલા 2 કલાકના સમયગાળામાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં 37 મિ.મી (1.4 ઈંચ), ખેડાના નડિયાદમાં 21 મિ.મી, આણંદના ખંભાતમાં 20 મિ.મી. તેમજ બનાસકાંઠાના પાલનપુરમાં 17 મિ.મી વરસાદ પડ્યો છે.
