વલસાડમાં પૂરની તારાજી બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે મુલાકાત: 12 હજારથી વધુ લોકોના સફળ રેસ્કયૂ બદલ 'ટીમ વલસાડ'ને બિરદાવી

વલસાડમાં પૂરની ગંભીર સ્થિતિ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે મુલાકાત લઈ 'ટીમ વલસાડ'ની 12 હજારથી વધુ લોકોના સફળ રેસ્ક્યૂ કામગીરીને બિરદાવી. સફાઈ, આરોગ્ય, રાહત અને વીમા ક્લેઇમ અંગે મહત્વના નિર્દેશ આપ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 24 Jul 2026 11:54 AM (IST)Updated: Fri, 24 Jul 2026 11:54 AM (IST)
valsad-flood-havoc-dy-cm-harsh-sanghavi-late-night-visit-team-valsad-rescue-12000-people

Harsh Sanghavi  Valsad Visit: વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મોડી રાત્રે વલસાડની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આવતાની સાથે જ તેમણે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિત અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 હર્ષ સંઘવીએ વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી

જિલ્લા કલેકટર નીતિન સાંગવાને ગુરૂવારના રોજ જિલ્લામાં અને ખાસ કરીને ઉમરગામમાં એક જ દિવસમાં ઈતિહાસમાં સૌથી વધુ 1064 મી.મી. એટલે કે, 42.56 ઈંચ પડવા અંગે અને સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 2566 મી.મી. એટલે કે, 102.64 ઈંચ પડવા અંગે માહિતી આપી હતી. ધોધમાર વરસાદ અને મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બંને કાંઠે વહી હતી. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એક જ દિવસમાં 12376 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં જિલ્લા વહીવટી તંત્રએ સફળતા મેળવી હતી. 

ટીમ વલસાડને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા

નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જિલ્લા વહીવટી તંત્રના વડા નીતિન સાંગવાન અને તમામ ટીમ વલસાડને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. આ તબક્કે ડે. સીએમ સંઘવીએ ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મોટી દુર્ઘટના કે પછી એક પણ મૃત્યુ વિના તમામ લોકોને સલામત રીતે સ્થળાંતર કરવાની અને રેસ્કયુ કરવાની પડકારજનક કામગીરી ટીમ વલસાડે સુપેરે નિભાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સૌથી મોટી અને મહત્વની કામગીરી હવે સાફ સફાઈ અને દરેક નાગરિકના સ્વાસ્થ્યની દરકાર લેવાની રહેશે.

સાફ સફાઈ અને મેન પાવર અંગે માર્ગદર્શન

 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાફ સફાઈ માટે જરૂરી મેન પાવર અને જેસીબી તેમજ ટ્રક સહિતની સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય પાલિકાને વધારાના હંગામી સ્ટાફ રોકી યુધ્ધના ધોરણે સફાઈ કરી ગંદકીના થર ઉલેચવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન ઉમરગામ વિસ્તારમાં પણ સાફ સફાઈ અંગે વિશેષ ભાર મુકયો હતો. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનો નિકાલ કરવામાં આવે અને જ્યાં અસરગ્રસ્ત વિસ્તાર વધુ હોય ત્યાં આરોગ્ય ચેકઅપ માટે કેમ્પ લગવવા માટે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

પૂર અસરગ્રસ્તોને રાશન અને કેશડોલ્સની વ્યવસ્થાનો આદેશ

રોગચાળો ન ફેલાય તે માટે ઘર વખરીનો તમામ સામાન અને સડેલા અનાજનો જથ્થો સુવ્યવસ્થિ ઢબે નિકાલ કરવા માટે જણાવ્યું હતું. પાણી ઓસર્યા બાદ પૂર અસરગ્રસ્તોને ત્વરિત કેશડોલ્સ અને રાશનની કીટ મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગોઠવવા માટે તંત્રને આદેશ કર્યા હતા. આ કામગીરીમાં કોઈ પણ દૂર ગામનો છેવાડાનો વ્યકિત સહાયથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે 17 જેટલા ઉચ્ચ અધિકારીઓની ફાળવણી વલસાડ જિલ્લામાં કરવામાં આવી છે તેમના દ્વારા વલસાડ જિલ્લો ઝડપભેર બેઠો થાય તેવી આશા ડે.સીએમએ વ્યક્ત કરી હતી.

લોકોના ક્લેઈમ મંજૂર થાય તેવા પ્રયાસ કરવા સૂચન

પૂરની સ્થિતિમાં વેપારી તેમજ દુકાનદારોને જે નુકસાન થયું હોય તે અંગે વીમા કંપની સાથે બેઠક કરી વહેલી તકે લોકોના ક્લેઈમ મંજૂર થાય તેવા પ્રયાસ કરવા સૂચન કર્યુ હતું. આ મુલાકાત વેળા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ પાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ, રેંજ આઈજી પ્રેમવીરસિંહ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને પ્રોબેશનરી આઈએએસ પિયુષ ઘટાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

વલસાડ રેલવે સ્ટેશન અને ઔરંગા નદીની મુલાકાત લીધી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારે વરસાદને કારણે ટ્રેનો રદ્દ થતા વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મુલાકાત કરી તેઓ સાથે આત્મીયતા ભર્યો સંવાદ કર્યો હતો. આ સાથે જ સ્ટેશન માસ્ટર સાથે વાતચીત કરતા સ્ટેશન માસ્ટરે મુંબઈ તરફની લાઈન ચાલુ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વલસાડ સ્ટેશન પર અટવાયેલા યાત્રીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ વલસાડના છીપવાડ અને ઔરંગા નદીના પુલ પર પહોંચી પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું.