Valsad: પારડીના ઉમરસાડી સ્થિત બે.એન. ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગથી અફરાતફરી, લાખોનો માલ બળીને રાખ; જુઓ VIDEO

આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધૂમાડાના ગોટે-ગોટા દેખાયા. ફાયર બ્રિગેડે 6 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 06 Dec 2025 08:54 PM (IST)Updated: Sat 06 Dec 2025 08:54 PM (IST)
valsad-news-a-fire-erupted-at-bn-industries-aluminium-powder-unit-in-umarsadi-village-650850
HIGHLIGHTS
  • આગ લાગતા જ મજૂરોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડાયા
  • આગ લાગવાનું કારણ અકબંધ, વલસાડ FSLની મદદ લેવાઈ

Valsad: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા ઉમરસાડી ગામમાં આવેલી બી.એન. ઈન્ડસ્ટ્રીમાં આજે સવારના સમયે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જો કે આગ લાગતાં જ મજૂરોને તાત્કાલિક સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. જે બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

બી.એન. ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટે-ગોટા ઉડતા જોવા મળ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં દોડી આવેલ ફાયર બ્રિગેડની ટીમે સતત 6 કલાક સુધી પાણીનો મારો ચલાવીને ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લીધો હતો.

ફાયર બ્રિગેડની ચાર ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વલસાડ FSLની ટીમની મદદ લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જો કે આગની ઘટનાના કારણે કંપનીનો લાખોનો માલ બળીને રાખ થઈ જતાં મોટું નુકસાન થયું છે.