Valsad: વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા ફટકારવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બે વર્ષ પહેલાના કેસમાં પોલીસ અને કોર્ટની ઝડપી કાર્યવાહીના કારણે પીડીત પરિવારને ન્યાય મળ્યો છે.
આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે, હવે માત્ર ન્યાય મળતો જ નથી, પરંતુ ઝડપથી મળે છે.
દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં ફાંસીની સજા આપવામાં આવે છે. મહિલાઓની સુરક્ષા અમારા માટે પ્રાથમિક્તા છે. જેના માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાઈ રહી છે.
હકીકતમાં આજથી બે વર્ષ અગાઉ વલસાડ જિલ્લાના વાપીના એક ગામમાં રઝાક સુબાન ખાન નામનો આરોપી શ્રમિક પરિવારની સાડા 6 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને ઝાડીઓમાં લઈ ગયો હતો. જ્યાં તેના પર દુષ્કર્મ આચર્યું હતુ.
આ ઘટના બાદ ગુજરાત પોલીસે 48 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી. તેમજ ઘટનાના માત્ર 19 દિવસમાં જ તમામ પુરાવા સાથે ચાર્જશીટ ફાઈલ કરી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક ના પગલે આ કેસ ઝડપથી ચાલ્યો હતો. જેમાં આજ રોજ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા આપતો ફેંસલો સંભળાવ્યો હતો.
