વાપી-વલસાડમાં આંધી-વંટોળ સાથે વરસાદ, ઠેર-ઠેર વૃક્ષો અને વીજપૉલ ધરાશાયી; વીજળી પડતાં બે મહિલાના મોત

હવામાન વિભાગે દિવાળી દરમિયાન પણ વરસાદની આગાહી કરી છે, ત્યારે ડાંગર સહિતના પાકમાં નુકસાનીની ભીતિને જોતા જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 16 Oct 2025 11:12 PM (IST)Updated: Thu 16 Oct 2025 11:12 PM (IST)
valsad-news-unseasonal-rain-vapi-2-women-dead-due-to-lighting-strike-621931
HIGHLIGHTS
  • દિવસભર ઠંડક અને વાદળછાયા વાતાવરણ બાદ 4 વાગ્યાથી મેઘાવી માહોલ જામ્યો
  • કરમખલ ગામે લાકડા વીણવા ગયેલી ત્રણ મહિલા પર આકાશમાંથી વીજળી ત્રાટકી

Valsad: ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે અને ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડાંગ, વલસાડ અને વાપીમાં બપોર પછી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

હકીકતમાં હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘાવી માહોલની આગાહી કરવામાં આવી છે. આજે પણ દિવસભર ઠંડક અને વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે 4 વાગ્યા પછી ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન ડાંગના વઘઈમાં 24 મિ.મી, નવસારીના વાંસદામાં 21 મિ.મી, વલસાડના ધરમપુર અને કપરાડામાં અનુક્રમે 5 અને 3 મિ.મી તેમજ પારડીમાં 1 મિ.મી વરસાદ નોંધાયો છે.

વલસાડમાં મિની વાવાઝોડું, લાકડા વીણવા ગયેલી 3 મહિલા પર આકાશમાંથી વીજળી ત્રાટકી
આજે બપોર પછી અચાનક વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સુસવાટા મારતા પવનો સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતુ. ભારે પવનના કારણે ધમરપુર, વાંકલ અને ઓજર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજ પૉલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે કેટલાક ઠેકાણે વીજ પૂરવઠો પણ ખોરવાયો હતો.

જ્યારે વાપી તાલુકાના કરમખલ ગામના ખાડી ફળિયા નજીક લાકડા વીણવા ગયેલી ત્રણ મહિલાઓ પર આકાશમાંથી વીજળી ત્રાટકી હતી. જેમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.