Kangana Ranaut: ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રાણાવતે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, PM મોદીના વિઝનથી પ્રેરિત 'વસ્ત્ર પ્રસાદ' સેવાને બિરદાવી

આ મુલાકાત દરમિયાન, કંગના રાણાવતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલા અનોખા 'વસ્ત્રપ્રસાદ' પ્રકલ્પની વિગતો જાણીને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 20 Nov 2025 03:30 PM (IST)Updated: Thu 20 Nov 2025 03:30 PM (IST)
bjp-mp-kangana-ranaut-visits-somnath-temple-for-darshan-in-gujarat-641522

Kangana Ranaut Somnath Temple Visit: રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારના સાંસદ કંગના રાણાવતે આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ આદિ જ્યોતિર્લિંગના દર્શને આવીને તેમણે ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

વિધિ-વિધાન સાથે ધ્વજાપૂજા કરી

કંગના રાણાવતે શ્રી સોમનાથ મહાદેવને ભક્તિભાવપૂર્વક જલાભિષેક કર્યો હતો. આ સાથે જ તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ધ્વજાપૂજા પણ કરી હતી. આ અવસરે, તેમણે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને દેશ તથા જનતાના કલ્યાણ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

સોમનાથ ટ્રસ્ટની 'વસ્ત્રપ્રસાદ' સેવાને દિલથી બિરદાવી

આ મુલાકાત દરમિયાન, કંગના રાણાવતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલા અનોખા 'વસ્ત્રપ્રસાદ' પ્રકલ્પની વિગતો જાણીને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રકલ્પ અંતર્ગત, માતા પાર્વતીને અર્પણ કરવામાં આવેલી સાડીઓ ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ somnath.org દ્વારા દેશભરના ભક્તો માટે ઉપલબ્ધ કરાવાય છે. અત્યાર સુધીમાં, આમાંથી 21 હજાર વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદોને વિતરિત કરવામાં આવ્યા છે, જે એક પ્રેરણાદાયક સામાજિક પહેલ છે.

કંગના રાણાવતે આ પ્રસંગે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન કલ્યાણના વિઝનથી પ્રેરિત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી સામાજિક અને ધાર્મિક કામગીરીને ઊષ્માભેર બિરદાવી હતી. તેમણે ટ્રસ્ટના કાર્યોની સરાહના કરતા જણાવ્યું કે આવા પ્રકલ્પો સમાજને એકતા અને સેવાભાવ તરફ દોરી જાય છે. આ મુલાકાત દરમિયાન, શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ઇનચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડાએ કંગના રાણાવતનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું. તેમને મહાદેવનો પ્રસાદ અને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

PM મોદીની પહેલ જન-જન સુધી પહોંચે તે ગહન અને આધ્યાત્મિક

સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી ભાજપના સાંસદ કંગના રાણાવતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે બાબા સોમનાથના દર્શન કરવા આવી છું. મને સોમનાથજીની ધ્વજા ચઢાવવાની અને પ્રાર્થના કરવાની તક મળી, જે મારા માટે સૌભાગ્યની વાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાબા સોમનાથજીનો પ્રસાદ દરેક ઘરે પહોંચે અને દેવી પાર્વતીની સાડીઓનું વિતરણ કરવામાં આવે તે પહેલ ખરેખર પ્રશંસનીય છે.

રાણાવતે વધુમાં ઉમેર્યું હતું કે, આજે મને પણ દેવી પાર્વતીની સાડી પહેલીવાર મળી, જે સામાન્ય લોકોના હૃદયમાં રહેલી લાગણીઓ જેટલી જ ગહન, અર્થપૂર્ણ અને આધ્યાત્મિક છે. સોમનાથજીનો પ્રસાદ હોય કે દેવી પાર્વતીની સાડીઓ, તે દેશભરની મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચે તે વિચાર વિશેષ છે અને ખૂબ જ સરાહનીય છે." તેમની આ મુલાકાતથી સોમનાથ મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.