UpdatedIST

મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રંગારંગ કાર્યક્રમ, કૈલાશ ખૈરે શિવભક્તોને મંત્રમુગ્ધ કર્યા

કૈલાશ ખેર, ઉર્વશી રાદડિયા-પાર્થ ઓઝા સહિતના કલાકારોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ થકી શ્રદ્ધાળુઓને રસતરબોળ કર્યા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 15 Feb 2026 08:44 AM (IST)Updated: Sun 15 Feb 2026 08:44 AM (IST)
cultural-programme-at-somnath-mahadev-on-eve-of-mahashivratri-2026-692234
HIGHLIGHTS
  • મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાયો
  • સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવભક્તો મોજમાં ઝૂમ્યા
  • કૈલાશ ખેર, ઉર્વશી રાદડિયા-પાર્થ ઓઝા સહિતના કલાકારો

Mahashivratri 2026: મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ભારતની અડગ આસ્થા, સાહસ અને સ્વાભિમાનનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના આંગણે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ યોજાયા હતા.

શિવને સમર્પિત કૈલાશ ખેરની પ્રસ્તુતિ

સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર દ્વારા ભગવાન શિવને સમર્પિત 'અગડ બમ બબમ...શિવ લહેરી', 'જય જયકારા...', 'શિવ શિવ શિવ શંભો', 'કણ કણ મેં શિવ', 'પ્રીત કી લત મોહે ઐસી લાગી', 'એરી સખી મંગલ ગાવો રી...' વગેરે જેવી કર્ણપ્રિય પ્રસ્તુતિઓથી ઉપસ્થિત સર્વેનું મન મોહ્યું હતું.

ઉર્વશી રાદડિયા-પાર્થ ઓઝાએ ભક્તિમય માહોલ બાંધ્યો

જ્યારે ઉર્વશી રાદડિયાએ સૂરીલા સ્વરમાં 'સોમનાથ મહાદેવ ભોળિયા....', 'ભજન વિના ભૂખ નહીં ભાંગે', 'વનમાં રે મહાદેવનો ચેલો' સહિત ભૈરવી રાગમાં અનેક પ્રસ્તુતિઓ અને પાર્થ ઓઝા દ્વારા ઘેઘૂર અવાજમાં ભક્તિસભર પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત અમદાવાદના સેલ્યૂટ ડાન્સ ગ્રુપ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રંગારંગ કાર્યક્રમ

આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, ગુજરાત ટુરિઝમ મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર  એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓએ મનભરી માણી હતી.

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે 'મહાપાર્થિવેશ્વર પૂજન'

આપને જણાવી દઈએ કે, સોમનાથમાં મહાશિવરાત્રી 2026ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય 'મહાપાર્થિવેશ્વર પૂજન'નું આયોજન કરવામાં આવ્યું છે. આજે 15 ફેબ્રુઆરી 2026ના રોજ આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સમુદ્ર કિનારે એકત્રિત થઈ સામૂહિક શિવ આરાધના કરશે. સોમનાથ મંદિરના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે આવેલા પ્રોમેનેડ વોક-વે સ્થિત મારુતિ બીચ પર આ કાર્યક્રમ યોજાશે. આયોજકો દ્વારા પૂજા વિધિ માટે દિવસ દરમિયાન ચાર અલગ-અલગ સમય નક્કી કરવામાં આવ્યા છે જેથી મહત્તમ ભક્તો લાભ લઈ શકે. સવારના સત્રો 8 થી 9.30 અને 10 થી 11.30 કલાકના રહેશે, જ્યારે બપોર બાદના સત્રો 3 થી 4.30 અને સાંજે 5 થી 6.30 વાગ્યા સુધી ચાલશે.

11 ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો રહેશે તૈનાત

આજે સોમનાથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. જેમાં 11 ડીવાયએસપી,50થી વધુ પીઆઇ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), તેમજ 500થી વધુ પોલીસ કર્મચારીઓ, GRD અને SRP જવાનો તૈનાત રહેશે. સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તાર પર 70થી વધુ CCTV કેમેરા, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડૉગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.