Veraval News: ગીરનું જંગલ આજે ફરી એકવાર અદભૂત નજારાનું સાક્ષી બન્યું છે. તાલાલા-ઉનાને જોડતા સ્ટેટ હાઈવે નંબર 58 પર આજે સવારે 11 સાવજોનું એક વિશાળ જૂથ રોડ પર આવી ચઢ્યું હતું. વહેલી સવારે સાવજોની આ લટારને કારણે વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા અને કુદરતનો આ અદભૂત નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો.
ઘટનાની વિગત મુજબ, આજે સવારે 7 વાગ્યાના અરસામાં બામણસા ગામ નજીક આવેલી જંગલ ચેકપોસ્ટ પાસેથી પસાર થઈને 11 સિંહોનું એક પ્રભાવશાળી જૂથ જામવાળા તરફના રોડ પર આવી પહોંચ્યું હતું. હાઇવે પર એકસાથે 11 સાવજોને જોઈને વાહનચાલકો અચંબામાં મુકાઈ ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે વાહનો થંભાવી દીધા હતા.
આશરે અડધો કલાક સુધી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.સાવજો જંગલની મર્યાદા ઓળંગીને રોડ પર આવી જતાં અને કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર નિરાંતે ચાલતા હોવાના દ્રશ્યોએ જોનારાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાહનચાલકોએ આ અદભૂત દ્રશ્યોને મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
અમરેલીના મોટા આગરીયામાં શિકારની શોધમાં સિંહો ઘૂસ્યા
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના માનવ વસાહતોમાં આંટાફેરા સતત વધી રહ્યા છે. આ દરમિયાન રાજુલાના મોટા આગરીયા ગામમાં ત્રણ સિંહોનું ટોળું ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શિકારની શોધમાં આવેલા સિંહોના ગામમાં પ્રવેશના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
ગામમાં પ્રવેશતાની સાથે જ સિંહોએ શિકારની શોધ શરૂ કરી હતી. આ દરમિયાન એક સિંહની નજર ત્યાં રસ્તા પર રહેલા શ્વાન પર પડતા તેણે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સિંહને જોતા જ શ્વાન પોતાની જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સિંહોનું આ આક્રમક સ્વરૂપ જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.શ્વાન બાદ સિંહે ગામમાં રહેલા એક આખલાને પોતાનો શિકાર બનાવવા માટે તેની પાછળ દોટ મૂકી હતી. રસ્તા પર સિંહને આખલાનો પીછો કરતા જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સિંહના સતત વધી રહેલા આ પ્રકારના લટાર મારવાના દ્રશ્યોએ સ્થાનિકોની ચિંતામાં વધારો કર્યો છે.
