Gir Somnath: દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક આતંકવાદીઓ દ્વારા કારમાં બ્લાસ્ટ કરવાની ઘટનાના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશની પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લાની પોલીસ દ્વારા વાહનોનું તેમજ હોટલોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગીર-સોમનાથ પોલીસે નવા બંદર મસ્જિદમાં રોકાયેલા 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરી છે. જ્યારે તેમને આશરો આપનાર મૌલવી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હકીકતમાં ગીર સોમનાથ પોલીસને બાતમી મળી હતી કે, નવા બંદર મસ્જિદમાં ત્રણ કાશ્મીરીઓ રોકાયા છે અને તેમની હિલચાલ શંકાસ્પદ જણાઈ રહી છે. આ બાતમીના આધારે નવા બંદર મસ્જિદમાં છાપો માર્યો હતો. જ્યાં ત્રણેય શંકાસ્પદ કાશ્મીરીઓ જમી રહ્યા હતા. જેમને જમતા-જમતા જ ઉઠાવીને લીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે.
પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય કાશ્મીરીઓની ઓળખ મકસુદ અહેમદ ખાલિદ હુસૈન, મકસુદ અહેમદ અબ્દુલ લતિફ અને જાવેદ અહેમદ રસીદ ચૌહાણ (તમામ રહે. પૂંછ, જમ્મુ-કાશ્મીર) દીવથી મદરેસા માટે ફાળો ઉઘરાવવા માટે આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા ઉપરાંત બેંક વિગતો મંગાવીને તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે ત્રણેય કાશ્મીરીઓને કોઈ પણ જાતના પુરાવા વિના આશરો આપનારા નવા બંદર સ્થિત મદીના મસ્જિદના મૌલવી વિરુદ્ધ પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને ઝડપી પાડવામાં આવ્યા છે.
