Gir Somnath: વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછલીઓના વધુ પડતા વજનના કારણે બોટ ઊંધી વળી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બોટમાં સવાર એક માછીમારનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 માછીમારને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મુકેશ વણિકની માલિકીની 'શ્રી ભવાની કૃપા' નામની બોટમાં સવાર ચાર ખલાસીઓ બુધવારે સવારે માછીમારી કરવા માટે દરમિયાન રવાના થયા હતા. જે બાદ 4 ડિસેમ્બરની સાંજે સાડા 7 વાગ્યે માછીમારી કરીને આ બોટ વેરાવળ બંદરના જાલેશ્વરથી 2 નોટિકલ માઈલ દૂર પહોંચી હશે, ત્યાં તે પલટી ખાઈ ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં બોટ પર સવાર ખલાસીઓએ પાછા ફરતી વખતે જાલેશ્વર નજીક છેલ્લીવાર માછલા પકડવા માટે પાણીમાં જાળ નાંખી હતી. જ્યારે જાળને ખેંચવામાં આવી, ત્યારે જાળમાં વધારે પડતી માછલીઓ ફસાઈ ગઈ હતી. જેથી વજન વધી જવાથી બોટ દરિયામાં ઊંધી થઈ જતાં ચારેય ખલાસીઓ દરિયામાં પટકાયા હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતાં નજીકમાં માછીમારી કરી રહેલા અન્ય બોટના ખલાસીઓ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અજય વણિક, રાકેશ વણિક અને મહેશ વણિક નામના ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અરવિંદ ભારાવાલા નામના માછીમારનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
