Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક હિટ એન્ડ રનની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં માંતેલા સાંઢની માફક ધસી આવતી બોલેરોએ વારાફરતી બે બાઈકોને અડફેટે લેતા 3 યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉના તાલુકાના કેસરીયા નજીક દીવ તરફ જઈ રહેલી બોલેરોના ચાલકે પોતાનું વાહન ગફલતરીતે હંકારીને બે બાઈકને ઉડાવી હતી. આ અકસ્માતમાં કેસરીયા ગામમાં રહેતા બે સગા ભાઈઓ તેમજ નાથડ ગામના એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે એક સગીરાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ બાબતની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ બોલેરોનો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને ફરાર થઈ ગયેલા બોલેરોના ચાલકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ હિતેશ શિંગડ (20) અને પરિમલ શિંગડ (11) બન્ને. રહે. કેસરીયા અને ભીખા દમણિયા (ઉં.વ. 35, રહે. નાથડ) તરીકે થઈ છે. જ્યારે કલુબેન શિંગડ (17) નામની સગીરા ઈજાગ્રસ્ત હોવાથી ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
