કોડિનારના છારા ગામમાં કરુણાંતિકાઃ દરિયાઈ કરંટમાં ફસાયેલા મિત્રને બચાવવા જતા 5 કિશોરો ડૂબ્યા, માછીમારોએ 3ને બચાવ્યા; બે લાપત્તા

પોતાના મિત્રોને ડૂબતા અને મદદ માટે બૂમો પાડતા જોઈને કિનારે ઉભેલા અન્ય ત્રણ કિશોરો પણ તેમને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 04 Aug 2026 07:14 PM (IST)Updated: Tue, 04 Aug 2026 07:14 PM (IST)
gir-somnath-news-5-teenagers-drown-in-sea-at-chhara-village-of-kodinar-3-rescued
HIGHLIGHTS
  • ધોરણ 10 અને 11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દરિયા કિનારે ફરવા ગયા હતા

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામેથી મંગળવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. દરિયા કિનારે ફરવા ગયેલા પાંચ કિશોરો અચાનક દરિયાના ઊંડા પાણીમાં ડૂબી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સ્થાનિક માછીમારોની સતર્કતાના કારણે મોટી જાનહાનિ ટળી છે અને ત્રણ કિશોરોને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય બે કિશોરો હજુ પણ લાપતા છે.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આ પાંચેય કિશોરો ધોરણ 10 અને 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. મંગળવારે બપોરના સમયે તેઓ છારા ગામના દરિયા કિનારે ફરવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન બે કિશોરો દરિયામાં ન્હાવા માટે ઉતર્યા હતા. જો કે દરિયામાં અચાનક આવેલ જોરદાર કરંટ અને ઊંડા પાણીમાં તેઓ સપડાઈ ગયા હતા.

પોતાના મિત્રોને ડૂબતા અને મદદ માટે બૂમો પાડતા જોઈને કિનારે ઉભેલા અન્ય ત્રણ કિશોરો પણ તેમને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. જો કે દરિયાના પ્રચંડ પ્રવાહ અને ઊંડાણ સામે તેઓ પણ લાચાર બની ગયા હતા અને પાંચેય કિશોરો ડૂબવા લાગ્યા હતા.

આ ઘટનાની જાણ નજીકમાં જ હાજર રહેલા સ્થાનિક માછીમારોને થતાં તેઓએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના દરિયામાં ઝંપલાવ્યું હતું. માછીમારોએ પોતાની જાનના જોખમે સમયસર બચાવ કામગીરી હાથ ધરીને ત્રણ કિશોરોને સુરક્ષિત રીતે દરિયામાંથી બહાર કાઢી લીધા હતા. બચાવી લેવાયેલા કિશોરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ કમનસીબે અન્ય બે કિશોરો દરિયાના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

હાલ લાપતા બનેલા બંને કિશોરોને શોધવા માટે સ્થાનિક માછીમારો અને પ્રશાસન દ્વારા દરિયામાં સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. દરિયાનો વિસ્તાર વિશાળ હોવાથી બચાવ કામગીરીમાં ડ્રોન કેમેરાનો પણ વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વધુ અસરકારક રીતે તપાસ કરી શકાય. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે અને લાપતા કિશોરોના પરિવારજનોની હાલત કફોડી બની છે.