Gir Somnath News: ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે આજે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં કામ કરી રહેલા એક યુવક પર બે સિંહોએ અચાનક હુમલો કરતાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર સિંધાજ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના રહેવાસી રમેશભાઈ લાખાભાઈ વાઢેર સાંજના સમયે તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બે સિંહોએ તેમના પર હુમલો કર્યો હતો. સિંહના આ જીવલેણ હુમલામાં રમેશભાઈને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હાલત નાજુક, વન વિભાગની ટીમ સ્થળ પર
રમેશભાઈ પર હુમલો થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મહામુશ્કેલીએ સિંહોને ભગાડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને ડૉક્ટરો દ્વારા તેમને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સિંધાજ ગામે પહોંચી હતી. વન વિભાગે હુમલો કરનાર બે સિંહોને શોધી કાઢવા અને તેમને ટ્રેક કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે, જેથી તેમને વન્ય વિસ્તારમાં પાછા ખસેડી શકાય.
ગ્રામજનોમાં ભય, સુરક્ષા મામલે કડક પગલાંની માંગ
રમેશભાઈ પર થયેલા હુમલા બાદ સિંધાજ ગામના લોકોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.
સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે, વન્યજીવોના આવા હુમલાઓ અટકાવવા માટે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવે અને સિંહોને તાત્કાલિક માનવ વસાહતથી દૂર જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે. વધતા માનવ-વન્યજીવ સંઘર્ષને કારણે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
