Gir Somnath: તાલાલાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભગવાન બારડ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટન સમારોહમાં વહીવટી અધિકારીઓ પર બરાબરના બગડ્યા હતા. મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્યની ગેરહાજરીમાં થતાં તેમણે ટ્રસ્ટના અધિકારીઓ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચીમકી આપી છે.
રેન્જ આઇજી નિલેશ જાજડિયાના હસ્તે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાંજે 5 કલાકે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જો કે ધારાસભ્ય ભગવાન બારડ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ઉદ્ઘાટન સમાપ્ત થઈ ચૂક્યું હતું.
ધારાસભ્ય ભગવાન બારડનું કહેવું છે કે, તેમણે કાર્યક્રમમાં હાજરી આપવા માટે સાંજે 5:30 કલાકનો સમય આપ્યો હતો. બીજી તરફ, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓનું કહેવું છે કે મેળાના ઉદ્ઘાટન માટે સાંજે 5 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.
