UpdatedIST

Mahashivratri 2026: સોમનાથ મહાદેવ ખાતે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો, સતત 42 કલાક દર્શનાર્થે ખુલ્લું રહેશે મંદિર

આજે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવા સેંકડો શિવભક્તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 15 Feb 2026 12:39 PM (IST)Updated: Sun 15 Feb 2026 02:27 PM (IST)
shiva-devotees-reached-somnath-mahadev-to-celebrate-mahashivratri-2026-692324
HIGHLIGHTS
  • સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી
  • સોમનાથ મહાદેવ ખાતે શિવભક્તોનો મહાસાગર
  • સતત 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે મંદિર

Somnath Mahashivratri Mahotsav 2026: આજે 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ સમગ્ર વિશ્વમાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી જ શિવભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે. પ્રભાસતીર્થના વાતાવરણાં 'જય સોમનાથ' અને 'હર હર મહાદેવ' ના જયઘોષ ગૂંજી રહ્યા છે.

સોમનાથ મહાદેવ ખાતે શિવભક્તોનો મહાસાગર

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદભૂત મહાસાગર ઉમટ્યો છે. આ વર્ષે ઉત્સવની ભવ્યતા અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જેણે આ પવિત્ર તીર્થને સાચા અર્થમાં 'શિવમય' બનાવી દીધું છે.

ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ

સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, સહિત મહાનુભાવોએ ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિની પૂજા કરી તેમની પાલખી યાત્રા યોજવામાં આવી હતી. ત્રી દિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા છે.

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા છે. સાથે જ સોમેશ્વર પૂજન, ધ્વજા પૂજન સહિતની બમણી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર બહાર અનેકવિધ ભંડારા મારફત લાખો ભાવિકોને ફળાહાર અને ભોજન પ્રસાદ પૂરો પાડવામાં આવ્યો છે. સોમનાથ તીર્થમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે.

સતત 42 કલાક દર્શનાર્થે ખુલ્લુ રહેશે સોમનાથ મંદિર

સોમનાથ મહાદેવ મંદિર આજે રવિવારે સવારે 4:00 વાગ્યાથી આવતીકાલે 16 ફેબ્રુઆરી, સોમવારે રાત્રે 10:00 વાગ્યા સુધી સતત 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે. આમ દેશ-વિદેશથી આવતા ભક્તો નિરાંતે દર્શન-પૂજન કરી શકશે. મહાશિવરાત્રી દરમિયાન ભગવાન સોમનાથની મહા આરતી, રુદ્રાભિષેક અને વિવિધ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ભજન-કીર્તન સાથે ભક્તિનો માહોલ છવાયેલો રહેશે.

સોમનાથ મંદિર મુખ્ય પૂજારી મિથિલેશ દવેએ જણાવ્યું કે, આજે મહાશિવરાત્રી પર્વની સોમનાથ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સેંકડો શિવભક્તો આજે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લેશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ આયોજન અને ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે યાત્રિકોની ભીડને ધ્યાને સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે. શિવભક્તોના મંદિરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ અલગ રસ્તા અને ગેટ રાખવામાં આવ્યા છે. સાથે જ પૂજા અને પ્રસાદ કાઉન્ટરની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે.

પૂજા અને પ્રસાદની વ્યવસ્થા બમણી કરી

શ્રી સોમનાથ મંદિરના દ્વાર સવારે 4 વાગ્યાથી ભક્તો માટે ખુલ્યા છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યા હતા. આ તકે 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ' ના નાદથી પ્રભાસતીર્થ ગૂંજી ઉઠ્યું હતું. મંદિરમાં પૂજા અને પ્રસાદની વ્યવસ્થા બમણી કરવામાં આવી છે. સમુદ્ર કિનારે માટીના પાર્થિવ શિવલિંગની હજારો પરિવારોને પૂજા કરાવવામાં આવી.

CM ભૂપેન્દ્ર પટેલ કરશે સોમનાથ મહાદેવના દર્શન

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારશે. CM પટેલ આજે સાંજે મંદિર પરિસરમાં યોજાનાર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને પ્રભાસ ક્ષેત્રમાં સુરક્ષા અને વ્યવસ્થાની દૃષ્ટિએ પ્રશાસન દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધાઓ સહિત તમામ વ્યવસ્થા સજ્જ રાખવામાં આવી છે.