Vande Somnath Kala Mahotsav 2026: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થ ખાતે "વંદે સોમનાથ" કલા મહોત્સવ-2026 નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાનું પુનઃ પ્રતિષ્ઠાન
વંદે સોમનાથ કલા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સોમનાથ તીર્થના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવને પુનઃ સ્થાપિત કરવાનો છે. સોમનાથ તીર્થ ખાતે શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આતિથ્યનો અનુભવ મળી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ દરમિયાન ભક્તોના પ્રવાહમાં મોટો વધારો જોવા મળ્યો છે.

પ્રાચીન કાળમાં મહારાણી ચૌલાદેવીના સમયમાં જે રીતે કલાકારો દ્વારા મહાદેવની આરાધના થતી હતી, તે ‘સ્વર્ણિમ સતયુગ’ આજે સોમનાથની ભૂમિ પર પુન: જીવંત થયો છે. વંદે સોમનાથ ઉપક્રમ હેઠળ છેલ્લા 2 વર્ષથી પવિત્ર ભૂમિ સોમનાથ પર સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.

શ્રાવણ માસના દરેક સોમવારે વિશેષ આયોજન
3 ઓગસ્ટ 2026 થી શરૂ થયેલો આ મહોત્સવ કુલ 6 ચરણમાં યોજાશે. શ્રાવણ માસનીપવિત્રતાને ધ્યાનમાં રાખીને દર સોમવારે વિશેષ કાર્યક્રમો યોજાશે. જેમાં 10 ઓગસ્ટ, 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ અને 31ઓગસ્ટ એમ શ્રાવણના દરેક સોમવારના ખાસ કાર્યક્રમો યોજાશે. અંતે 7 સપ્ટેમ્બરના રોજ અંતિમ ચરણનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમો સોમનાથના ચોપાટી ગ્રાઉન્ડ, પ્રોમોનેડ વોક-વે, અને સાગરદર્શન ભવન ખાતે નિર્મિત 3 વિશેષ મંચો પર યોજાશે. જેમાં સંગીત, ગાયન અને રોશનીનો અદભુત સમન્વય જોવા મળશે.

દેશભરના નિપુણ કલાકારોની પ્રસ્તુતિ
વંદે સોમનાથ કલા મહોત્સવ શ્રી સોમનાથ ટ્રસ્ટ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત છે. પ્રથમ ચરણમાં અનેક નામાંકિત કલાકારોએ પોતાની કલા દ્વારા મહાદેવની આરાધના કરી હતી:
નાદત્રયી સમૂહ અને અભિનયા નાગજયોતિ દ્વારા કૂચીપુડી નૃત્ય.
અંશિકા અગ્રવાલ અને ઋષિકેશ મજમુદાર દ્વારા બાંસુરીવાદન.
સંગીતા ચેટર્જી દ્વારા કથક નૃત્યની પ્રસ્તુતિ.
મયંક પંડ્યા દ્વારા પરંપરાગત માણ ભટ્ટના આખ્યાન.

સંસ્કૃતિ અને ભક્તિનો સુંદર સંગમ
"વંદે સોમનાથ" ઉપક્રમ હેઠળ છેલ્લા ૨ વર્ષથી આ પવિત્ર ભૂમિ પર સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે. આ આયોજન દ્વારા ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલા 'શિવ તત્વ' ને પુનઃ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશના ખૂણે-ખૂણેથી આવેલા નિપુણ કલાકારો વિવિધ ભારતીય નૃત્ય શૈલીઓ દ્વારા સોમેશ્વર મહાદેવની આરાધના કરશે.
