Gir Somnath: દરિયાકિનારે તણાઈ આવ્યું રહસ્યમય શિપિંગ કન્ટેનર, પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી

ગીર સોમનાથ જિલ્લાના નવાપરા ગામે વહેલી સવારે દરિયાકિનારે એક શિપિંગ કન્ટેનર તણાઈ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 12 Jul 2026 03:31 PM (IST)Updated: Sun, 12 Jul 2026 03:31 PM (IST)
veravalnavaparabeach-empty-shipping-containerwashesashoregir-somnath-news
Navapara Beach

Gir Somnath, Navapara Beach Shipping Container: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલા નવાપરા ગામે શનિવારના રોજ એક અજીબ બનાવ બન્યો છે. અહીં વહેલી સવારે દરિયાકિનારે એક તોતિંગ શિપિંગ કન્ટેનર તણાઈ આવતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. આ મામમે પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે.

ગ્રામજનોને દરિયાકાંઠે મળ્યું કન્ટેનર

નવાપરા ગામના સ્મશાન ઘાટ પાસે દરિયાકાંઠે આ વિશાળ કન્ટેનર જોવા મળ્યા બાદ ગ્રામજનોએ તાત્કાલિક પ્રભાસ પાટણ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રભાસ પાટણ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કસ્ટમ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

કેવી રીતે કિનારે પહોંચ્યું આ કન્ટેનર?

કસ્ટમ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસમાં લાગી હતી. પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાન, ઊંચા મોજા અથવા અન્ય કોઈ ટેકનિકલ કારણોસર કોઈ માલવાહક જહાજમાંથી આ કન્ટેનર દરિયામાં ખાબક્યું હશે. ત્યારબાદ તે દરિયાના પ્રવાહ સાથે ખેંચાઈને નવાપરા ગામના કિનારે પહોંચ્યું હોવાનું મનાય છે.

આ શિપિંગ કન્ટેનરની અંદરથી શું મળ્યું?

ટતપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ કન્ટેનર બિલકુલ ખાલી છે અને દરિયાના મોજાની થપાટોને કારણે તેના કેટલાક ભાગ ક્ષતિગ્રસ્ત પણ થયા છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે, આ કન્ટેનરમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક સામગ્રી મળી આવી નથી.

પોલીસ-કસ્ટમ ટીમ દ્વારા સઘન તપાસ

હાલમાં કસ્ટમ વિભાગ કન્ટેનર પર લખેલા નંબર અને અન્ય ઓળખ ચિહ્નના આધારે તે કઈ શિપિંગ કંપનીનું છે અને કયા કાર્ગો શિપમાંથી દરિયામાં પડ્યું છે, તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ અને કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ કન્ટેનર ક્યાંથી આવ્યું, દરિયામાં કેવી રીતે પડ્યું અને છેક નવાપરા કિનારે કેવી રીતે પહોંચ્યું તેની સચોટ માહિતી પ્રાપ્ત થઈ શકશે.