વેરાવળમાં પડોશીએ મહિલાને મોતને ઘાટ ઉતારી, અગાઉ પણ એક હત્યા કર્યાનું કબુલ્યું

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે તારીખ 11મી નવેમ્બરના રોજ હુડકો સોસાયટીમાં મહિલાના શંકાસ્પદ મોત મામલે પોલીસે હત્યાનો ઘટસ્ફોટ કર્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 24 Nov 2025 01:00 PM (IST)Updated: Mon 24 Nov 2025 01:00 PM (IST)
woman-beaten-to-death-by-neighbor-in-veraval-643554

Veraval News: વેરાવળમાં આવેલી હુડકો સોસાયટીના માનવ રેસિડેન્સીમાં રહેતા ભાવનાબેન ચાંડેગરાનું શંકાસ્પદ મોત થયું હતું. પોલીસ તપાસમાં આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પાડોશી યુવકે જ મહિલાનું ઢીમ ઢાળી દીધું હતું.

પડોસી મહિલાની હત્યા કરી

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે તારીખ 11મી નવેમ્બરના રોજ હુડકો સોસાયટીમાં મહિલાના શંકાસ્પદ મોત મામલે પોલીસે હત્યાનો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. પાડોશી યુવકે જ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી છે અને આ હત્યારો યુવક સિરિયલ કિલર હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા

ભાવનાબેન ચાંડેગરાનું શંકાસ્પદ મોત થયું હતું. મૃતકના ઘરમાં ટેબલ પર ઇન્જેક્શન, હાથ પર સોયના નિશાન, ગાદલા પર લોહીના ડાઘ તેમજ શરીર પરથી સોનાના દાગીના ગાયબ હોવાથી પોલીસે શક જતાં ઉંડી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મૃતકના ઘરની નજીક જ રહેતો યુવક શ્યામ ચૌહાણ શંકાના દાયરામાં દેખાયો હતો. પોલીસને મોટી કડી ત્યારે મળી જ્યારે શ્યામ ચૌહાણ મહિલા પાસેથી લૂંટેલા દાગીના ગીરવે મૂકવા ગયો હતો.

પોલીસની કડક પૂછપરછમાં શ્યામ ચૌહાણે કબૂલ્યું કે, તેણે ભાવનાબેનને મોતને ઘાટ ઉતાર્યા છે.ભાવનાબેનનો થેલેસેમિયા ટેસ્ટ કરી આપવાના બહાને તેમનું બ્લડ સેમ્પલ લીધું હતું અને ત્યાર બાદ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને તેને મોતને ઘાટ ઉતાર્યા હતા.

જૂના ગુનાની કબુલાત કરી

પોલીસ તપાસમાં બીજી એ પણ માહિતી સામે આવી કે, આરોપી સિરિયલ કિલર છે. અગાઉ પણ ચાર મહિના પહેલા પોતાના એક મિત્રને પણ મોર્ફિનની ગોળીઓ ખવડાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે હત્યારા યુવક શ્યામ ચૌહાણને ઝડપીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેણે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.