Saudi Pakistan Turkey Defense Pact: સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ શુક્રવારે એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સંરક્ષણ સમજૂતી (Trilateral Defense Pact) પર હસ્તાક્ષર કર્યા છે. આ ઐતિહાસિક કરારની સૌથી મહત્વની જોગવાઈ એ છે કે આ ત્રણમાંથી કોઈ પણ એક દેશ પર થનારો સશસ્ત્ર હુમલો ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે. ઇસ્લામિક જગતના ત્રણ દેશો વચ્ચે થયેલા આ ગઠબંધનને વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, આ ત્રણેય દેશો વચ્ચે થયેલા લશ્કરી અને સંરક્ષણ કરાર પર ભારતે પણ પોતાની નજર બનાવી રાખી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું છે કે- આ ત્રણ દેશો વચ્ચે થયેલી સમજૂતી એક એવો ઘટનાક્રમ છે જેના પર ભારત બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને આ અંગે યોગ્ય સમયે જરૂરી અપડેટ્સ આપવામાં આવશે.
સામૂહિક સુરક્ષા અને 'ઇસ્લામિક એકજુટતા'નો દાવો
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ કરાર ત્રણેય દેશો વચ્ચેના જૂના ઐતિહાસિક સંબંધો, ભાઈચારા, ઇસ્લામિક એકતા અને સામાજિક-વ્યૂહાત્મક હિતો પર આધારિત છે.
ત્રણેય દેશોએ જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે- આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ દેશ દ્વારા થતા આક્રમણ સામે એકજુટ થઈને રક્ષણ મેળવવાનો છે. જો ત્રણેયમાંથી કોઈ પણ એક દેશ પર હુમલો થશે તો બાકીના બે દેશો તેને પોતાના પર થયેલો હુમલો ગણીને લશ્કરી મદદ પૂરી પાડશે.આ ગઠબંધન માત્ર યુદ્ધ પૂરતું સીમિત ન રહેતા, ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.
તુર્કીના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ કરાર સંપૂર્ણપણે રક્ષણાત્મક (Defensive) પ્રકૃતિનો છે અને તેનો હેતુ કોઈ ચોક્કસ દેશને નિશાન બનાવવાનો નથી. ભવિષ્યમાં આ ક્ષેત્રના અન્ય દેશો પણ આ જૂથમાં જોડાઈ શકે છે.
વૈશ્વિક રાજકારણમાં મોટો ફેરફાર
ગલ્ફ રિસર્ચ સેન્ટરના ચેરમેન અબ્દુલઅઝીઝ સાગરના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયની વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ સંમેલનનું રાજકીય મહત્વ અત્યંત વધી જાય છે. આ કરાર દ્વારા ત્રણ અલગ-અલગ વ્યુહરચના ધરાવતા દેશો એકસાથે આવ્યા છે-
- તુર્કી: નાટો (NATO) ગઠબંધનમાં બીજા નંબરની સૌથી મોટી અને આધુનિક સેના ધરાવતો દેશ છે.
- સાઉદી અરેબિયા: વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ નિકાસકાર અને મુસ્લિમ જગતના સૌથી પવિત્ર સ્થળોનો સંરક્ષક છે.
- પાકિસ્તાન: સમગ્ર મુસ્લિમ વિશ્વમાં એકમાત્ર અણુશક્તિ (Nuclear-armed) ધરાવતો દેશ છે.
નિષ્ણાતોના મતે, જો આ ત્રિપક્ષીય ઢાંચો ભવિષ્યમાં વધુ મજબૂત અને સંસ્થાગત રૂપ ધારણ કરશે, તો તે ત્રણેય દેશોની કૂટનીતિક અને સૈન્ય તાકાતમાં મોટો વધારો કરશે, જેની સીધી અસર એશિયા અને મધ્ય-પૂર્વના ભૂ-રાજકીય સમીકરણો પર પડશે.
