Indonesia Flood: ઇન્ડોનેશિયામાં એક અઠવાડિયાથી વધુ સમય સુધી પડેલા ભારે વરસાદને કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. સત્તાવાર અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં આ કુદરતી આપદામાં ઓછામાં ઓછા 900થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે મૃત્યુઆંક વધવાની શક્યતા છે કારણ કે હજી પણ સેંકડો લોકો ગુમ છે.
ઇન્ડોનેશિયામાં પુર
બચાવ ટીમો હાલમાં પૂર અને કાદવથી પ્રભાવિત હજારો લોકોને મદદ કરવા માટે અવિરત કામ કરી રહી છે. આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, ઘણા ગુમ થયેલા લોકોના મૃતદેહ કાદવ અને કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
ગામો સંપૂર્ણપણે ધોવાયા
ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. દૂરના અને પહાડી ગામડાઓ સુધી રાહત સામગ્રી પહોંચાડવી મુશ્કેલ બની ગઈ છે, કારણ કે માર્ગો ધોવાઈ ગયા છે. કેટલાક ગામો તો સંપૂર્ણપણે ધોવાઈ ગયા હોવાના ભયાનક અહેવાલો મળી રહ્યા છે.
ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ એક તરફ પૂરની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યાં બીજી તરફ તેમણે આ વિસ્તારમાં પૂર પછી દુષ્કાળના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે, જે આગામી સમયમાં વધુ એક પડકાર સર્જી શકે છે.
શ્રીલંકા અને થાઇલેન્ડ પણ પ્રભાવિત
ઇન્ડોનેશિયાની સાથે સાથે દક્ષિણ એશિયાના અન્ય દેશો, જેવા કે શ્રીલંકા અને થાઇલેન્ડ પણ આ જળપ્રલયથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આ દેશોમાં પણ પૂરના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ ભયાનક તબાહીના કારણે ઇન્ડોનેશિયામાં માનવીય સંકટ ઊભું થયું છે. સ્થાનિક સરકાર અને આંતરરાષ્ટ્રીય રાહત સંસ્થાઓ સંકલન કરીને તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
