US Iran Conflict: ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટ કરી દીધું છે કે સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેની પર કોઈ પણ હુમલો એ યુદ્ધ માનવામાં આવશે. ઈરાન તરફથી આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે અને જેમાં લગભગ 5 હજાર લોકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે દેશના સુપ્રીમ લીડર વિરુદ્ધ કોઈ પણ હુમલો ઈરાન વિરુદ્ધ ' યુદ્ધ' બરાબર હશે.
ઈરાની લોકોની મુશ્કેલીઓ માટે અમેરિકા જવાબદાર
પેઝેશ્કિયાને વધુમાં જણાવ્યું હતું કે જો ઈરાનના લોકોને તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ અમેરિકન સરકાર અને તેના સહયોગીઓ દ્વારા લાંબા સમયથી ચાલી આવતી દુશ્મનાવટ અને અમાનવીય પ્રતિબંધો છે. બીજી તરફ, ઈરાનના અધિકારીઓએ અમેરિકા અને ઈઝરાયેલ પર દેશમાં અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાનો દાવો
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે ઈરાનમાં હવે ખામેનીના શાસનનો અંત કરવાનો અને નવા નેતૃત્વનો સમય આવી ગયો છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે તેમને ઈરાન દ્વારા અમેરિકી ઠેકાણાઓ પર હુમલાની તૈયારીના સમાચાર મળ્યા છે અને જો હુમલો થશે તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
જો કે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ વાતને સંપૂર્ણ ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે અમેરિકા તણાવ વધારવા માટે જાણી જોઈને આવા આરોપો લગાવી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ તેમના પર હુમલો કરવાની કોશિશ કરશે તો ઈરાન તેનો જડબાતોડ જવાબ આપશે.
