Russia-China-India Relations: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની ભારત યાત્રા અંગે ચીન તરફથી મહત્વની પ્રતિક્રિયા આવી છે. ચીને ત્રણેય દેશ (ભારત, રશિયા, ચીન)ને ગ્લોબલ સાઉથનો અત્યંત મહત્વનો ભાગ ગણાવી કહ્યું છે કે સારા ત્રિપક્ષિય સંબંધ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ખૂબ જ લાભદાયક બનશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે ચીન, રશિયા અને ભારત ઉભરતા બજાર અર્થવ્યવસ્થા છે અને દુનિયાના દક્ષિણ ભાગનો એક અત્યંત મહત્વનો હિસ્સો છે. તેમણે કહ્યું કે ત્રણેય દેશો વચ્ચે મિત્રતાભર્યાં સંબંધ જાળવી રાખવા આપણા પરસ્પર હિતો માટે ખૂબ જરૂરી છે તે ઉપરાંત ક્ષેત્રિય અને વૈશ્વિક શાંતિ, સુરક્ષા તથા સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ તે અનૂકુળ છે.
ભારત-ચીન સંબંધો અંગે તેમણે કહ્યું કે ચીન લાંબા ગાળાના દ્રષ્ટિકોણને અપનાવી ભારત સાથે નિરંતર, મજબૂત અને સ્થિર સંબંધોને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. તેમણે ચીન-ભારત સંબંધો અંગે કહ્યું કે અમે ભારત સાથે મળીને આ સંબંધોને વ્યૂહાત્મક રીતે નવી ઊંચાઈ પર લઈ જવા તથા લાંબા ગાળાના પરિપ્રેક્ષમાં જોવા તથા તેને લઈ કાળજી રાખવા તૈયાર છીએ.
જેથી આ બન્ને દેશ સતત મજબૂત અને સ્થિર વિકાસને ઉત્તેજન આપી શકે. બન્ને દેશ તેમના નાગરિકોને વાસ્તવિક લાભ પહોંચાડી શકે અને એશિયા તથા તેનાથી આગળ શાંતિ-સમૃદ્ધિમાં યોગદાન આપી શકે.
નોંધપાત્ર રીતે બેઇજિંગ અને મોસ્કો વચ્ચેના ઊંડા અને મજબૂત સંબંધોને ધ્યાનમાં રાખીને ચીન પુતિનની ભારત મુલાકાત પર નજીકથી નજર રાખી રહ્યું હતું. મુલાકાત પહેલા નવી દિલ્હી-બેઇજિંગ સંબંધો પર પુતિનની ટિપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં ગુઓ જિયાકુને કહ્યું કે ચીન રશિયા અને ભારત બંને સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે.
ખરેખર ભારતની મુલાકાત પહેલા એક મુલાકાતમાં પુતિને કહ્યું હતું કે ભારત અને ચીન રશિયાના સૌથી નજીકના મિત્રો છે અને મોસ્કો આ સંબંધને ખૂબ મહત્વ આપે છે.
