Russia-Ukraine War: રશિયા અને યુક્રેન(Russia-Ukraine) વચ્ચે સમાધાનની આશા વધી રહી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Russian President Vladimir Putin) ગુરુવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુક્રેન વચ્ચે વાટાઘાટો થઈ રહેલા સંભવિત ડ્રાફ્ટ શાંતિ કરારના મુખ્ય મુદ્દા યુદ્ધને સમાપ્ત કરવા માટે ભવિષ્યના કરારનો આધાર બનાવી શકે છે.
જો કે રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે જો આવું નહીં થાય તો રશિયા યુદ્ધ ચાલુ રાખશે. તાજેતરના અઠવાડિયામાં યુક્રેન યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તીવ્ર બન્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ સહિત અનેક પક્ષોએ સંઘર્ષને રોકવા માટે પોતાના શાંતિ પ્રસ્તાવો રજૂ કર્યા છે.
પુતિને શું કહ્યું
પુતિને કિર્ગિસ્તાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે સંમત છીએ કે આ (પ્રસ્તાવ) ભવિષ્યના કરારો માટેનો આધાર બની શકે છે. તેમણે ઉમેર્યું કે જીનીવામાં વોશિંગ્ટન અને કિવ દ્વારા ચર્ચા કરાયેલ યોજના મોસ્કોને સોંપવામાં આવી છે. અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓએ રવિવારે જીનીવામાં નવી US સમર્થિત શાંતિ યોજના પર વાતચીત કરી.
પુતિને કહ્યું કે અમેરિકા રશિયાના વલણને ધ્યાનમાં લઈ રહ્યું છે પરંતુ કેટલાક મુદ્દાઓ પર વધુ ચર્ચાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે જો યુરોપ રશિયા પાસેથી ગેરંટી ઇચ્છે છે કે તે તેના પર હુમલો નહીં કરે તો રશિયા આવી ગેરંટી આપવા તૈયાર છે.
રશિયાની શરતો શું છે?
રશિયાની શરત એ છે કે જો યુદ્ધ બંધ કરવું હોય તો યુક્રેનની સેનાએ પહેલા તેના કબજા હેઠળના પ્રદેશોમાંથી પીછેહઠ કરવી પડશે તો જ લડાઈ બંધ થશે. પુતિને સ્પષ્ટપણે કહ્યું હતું કે જો યુક્રેનની સેના પીછેહઠ કરશે તો યુદ્ધ સમાપ્ત થઈ જશે. જો તેમ નહીં કરે તો અમે શક્તિના જોરે તે હાંસલ કરશું.
પુતિને યુક્રેનની વર્તમાન સરકાર વિશે પણ વાત કરી
પુતિને કહ્યું કે તેઓ યુક્રેનની વર્તમાન સરકારને કાયદેસર માનતા નથી, જેના કારણે કિવ સાથે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવાનું કાયદેસર રીતે અશક્ય બની ગયું છે. તેથી તેમનું માનવું છે કે ભવિષ્યના કોઈપણ કરારને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળવી જોઈએ, જેમાં રશિયા દ્વારા કબજે કરાયેલા પ્રદેશોની વિશ્વવ્યાપી માન્યતાનો સમાવેશ થાય છે. પુતિને કહ્યુ કે અમે યુક્રેન સાથે કરાર ઇચ્છીએ છીએ પરંતુ હાલમાં તે શક્ય નથી - કાયદેસર રીતે પણ નહીં.
