ગમે તે થાય, હું બાંગ્લાદેશ પાછી ફરીશ....2 વર્ષ પછી શેખ હસીનાએ વર્ચ્યુઅલ સ્પીચમાં યુનુસ સરકાર અને 2024ની હિંસા પર આક્રોશ ઠાલવ્યો

બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાએ 2 વર્ષ બાદ મીડિયા સમક્ષ આવી 2024ની હિંસા પાછળનું મોટું ષડયંત્ર ખુલ્લું પાડ્યું છે. જાણો સજીબ વાજેદે યુનુસ સરકાર અને UN પર કેવા સવાલો ઉઠાવ્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 05 Aug 2026 08:17 PM (IST)Updated: Wed, 05 Aug 2026 08:34 PM (IST)
sheikh-hasina-breaks-silence-vows-return-to-bangladesh

Sheikh Hasina Live: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લાંબા સમય બાદ મીડિયા સાથે વર્ચ્યુઅલ વાતચીત કરીને દેશની વર્તમાન પરિસ્થિતિ અને 2024માં થયેલા હિંસક આંદોલન પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે- હું એ વ્યક્તિ તરીકે બોલી રહી છું જેણે પોતાનું આખું આયુષ્ય બાંગ્લાદેશના લોકો સાથે વિતાવ્યું છે. મને મારા દેશથી ભલે દૂર કરી દેવાઈ હોય, પણ હું મારા લોકોથી ક્યારેય અલગ થઈ નથી. ચાહે જે થાય, હું મારા લોકો પાસે પાછી ફરીશ.

'આ એ બાંગ્લાદેશ નથી જેના માટે 30 લાખ લોકોએ બલિદાન આપ્યું હતું'

મીડિયાને સંબોધતા શેખ હસીનાએ વિતેલા બે વર્ષની સ્થિતિ પર ઊંડો અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે- છેલ્લા બે વર્ષમાં મેં મારા વહાલા બાંગ્લાદેશને પીડાતું જોયું છે. આ એ બાંગ્લાદેશ નથી જે અમે બનાવ્યું હતું અને આ એ બાંગ્લાદેશ પણ નથી જેના માટે 1971ના મુક્તિ સંગ્રામમાં 30 લાખ લોકોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.

naidunia_image

જુલાઈ-ઓગસ્ટ 2024નું આંદોલન શાંતિપૂર્ણ નહોતું: શેખ હસીના

જુલાઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા પૂર્વ વડાપ્રધાને દાવો કર્યો હતો કે તે કોઈ સ્વયંભૂ કે શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલન નહોતું. તેમણે ઉમેર્યું કે- મારી સરકારે શરૂઆતથી જ વાટાઘાટો, કાનૂની પ્રક્રિયા અને ધીરજ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુધારાના બહાના હેઠળ ચોક્કસ સંગઠિત જૂથો વિદ્યાર્થીઓની માંગણીઓને હિંસક રાજકીય હથિયારમાં ફેરવવાનું કામ કરી રહ્યા હતા.

તેમણે મોહમ્મદ યુનુસના નિવેદનનો હવાલો આપતાં કહ્યું કે, ખુદ યુનુસે સ્વીકાર્યું હતું કે આ એક યોજનાપૂર્વક તૈયાર કરાયેલું આંદોલન હતું જેને એક 'માસ્ટરમાઇન્ડ' ચલાવી રહ્યો હતો. આ શબ્દો જ સત્ય જાહેર કરે છે કે આ ચોરીછૂપીથી ગાઈડ કરાયેલું ષડયંત્ર હતું, જેનો ઉપયોગ બેલેટ બોક્સ (ચૂંટણી) વગર સત્તા હડપવા માટે કરવામાં આવ્યો હતો.

શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે યુનુસ શાસન સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

આ વર્ચ્યુઅલ વાતચીતમાં શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે પણ ભાગ લીધો હતો અને સંયુક્ત રાષ્ટ્ર (UN) તેમજ મોહમ્મદ યુનુસ સરકારની ભૂમિકા સામે તીખા સવાલો કર્યા હતા.

naidunia_image

સજીબ વાજેદે જણાવ્યું કે 2024ની હિંસામાં મૃત્યુઆંક અંગે અલગ-અલગ દાવો કરવામાં આવી રહ્યો છે. ગવર્નમેન્ટનો આંકડો 800નો છે જ્યારે UN 1400 મૃત્યુ બતાવે છે. આ વધારાના 600 લોકો કોણ છે? UNને આ નામો ક્યાંથી મળ્યા? અમારી પાર્ટી અને વકીલોએ વારંવાર પત્રો લખવા છતાં UNએ હજુ સુધી નામોની યાદી આપી નથી.

તેમણે ઉમેર્યું કે UN માત્ર 15 ઓગસ્ટ 2024 સુધીનો જ સમયગાળો કવર કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બાંગ્લાદેશમાં હજુ પણ હત્યાઓ અને હિંસા ચાલુ જ છે, જેના પર આંતરરાષ્ટ્રીય મીડિયાએ ધ્યાન આપવાની જરૂર છે.

કાળો કાયદો

યુનુસ શાસન પર પ્રહાર કરતા સજીબે કહ્યું કે, વર્તમાન સરકારે સત્તામાં આવતાની સાથે જ એક વટહુકમ બહાર પાડીને કાયદો બનાવ્યો, જેને ઇન્ડેમ્નિટી બિલ કહેવાય છે. આ કાયદા હેઠળ તમામ પ્રદર્શનકારીઓને પૂર્ણ કાનૂની છત્રછાયા આપી દેવામાં આવી છે. સામાન્ય નાગરિકો, અમારી પાર્ટીના કાર્યકરો અને પોલીસ અધિકારીઓની હત્યા કરનારાઓ સામે હવે કોઈ કેસ ચલાવી શકાશે નહીં. કોઈપણ હત્યા માટે આવી કાનૂની છૂટ આપવી એ માનવાધિકારો અને માનવતાના તમામ નિયમોની વિરુદ્ધ છે.