શેખ હસીના ભારતમાં કરશે લાઈવ પ્રેસ કોન્ફરન્સ: બાંગ્લાદેશની વિનંતી ભારતે ફગાવી, કહ્યું- 'આ એક ખાનગી કાર્યક્રમ છે'

અહેવાલો અનુસાર, શેખ હસીના આગામી દિવસોમાં વધુ ઇન્ટરવ્યુ આપીને પોતાનું વલણ સ્પષ્ટ કરવાના મૂડમાં છે. વર્તમાન બાંગ્લાદેશી સરકાર આ ઘટનાક્રમથી ભારે નારાજ છે અને ભારત પર હસીનાને ઢાકા પરત મોકલવા માટે સતત દબાણ કરી રહી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 05 Aug 2026 02:37 PM (IST)Updated: Wed, 05 Aug 2026 02:37 PM (IST)
sheikh-hasina-first-live-press-conference-india-rejects-bangladesh-request
શેખ હસીના

Sheikh Hasina Press Conference: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના એક નવા પગલાથી ઢાકાના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઓગસ્ટ 2024 માં બાંગ્લાદેશમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ ભારતમાં શરણ લેનારા શેખ હસીના છેલ્લા બે વર્ષમાં પહેલી વાર મીડિયા સમક્ષ આવીને લાઈવ વાતચીત કરવા જઈ રહ્યા છે. તેઓ એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા દેશ-વિદેશના પત્રકારોના પ્રશ્નોના જવાબો આપશે. આ કાર્યક્રમની જાહેરાત થતાં જ બાંગ્લાદેશની આંતરિમ સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે.

ઢાકાનો વિરોધ અને ભારતનો સ્પષ્ટ જવાબ

બાંગ્લાદેશી સરકારે ભારત સરકાર સમક્ષ શેખ હસીનાની આ પ્રેસ કોન્ફરન્સ પર રોક લગાવવાની માંગ કરી હતી. ઢાકાનો સખત વાંધો છે કે ગંભીર આરોપોનો સામનો કરી રહેલા નેતાને ભારતમાં આ પ્રકારનું રાજકીય પ્લેટફોર્મ આપવું યોગ્ય નથી. ઢાકાને ડર છે કે હસીનાના નિવેદનોથી બાંગ્લાદેશની જનતાની સહાનુભૂતિ ફરી તેમના તરફ વળી શકે છે.

જોકે, ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની આ અપીલને ફગાવી દેતાં માપસરનો અને સ્પષ્ટ જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ એક સંપૂર્ણપણે ખાનગી કાર્યક્રમ છે અને તેમાં ભારત સરકારની કોઈ જ ભૂમિકા નથી. મીડિયા સીધો તેમનો સંપર્ક કરી રહ્યું છે અને ઇન્ટરવ્યુ આપવો કે ન આપવો તે શેખ હસીનાનો વ્યક્તિગત નિર્ણય છે. નોંધનીય છે કે બાંગ્લાદેશની કોર્ટે હસીનાને દોષિત ઠેરવ્યા હોવા છતાં, ભારતે તેમના પ્રત્યાર્પણ અંગે હજુ સુધી કોઈ કાનૂની પગલાં લીધા નથી.

રાજદ્વારી તણાવ વધવાની શક્યતા

અહેવાલો અનુસાર, શેખ હસીના આગામી દિવસોમાં વધુ ઇન્ટરવ્યુ આપીને પોતાનું વલણ સ્પષ્ટ કરવાના મૂડમાં છે. વર્તમાન બાંગ્લાદેશી સરકાર આ ઘટનાક્રમથી ભારે નારાજ છે અને ભારત પર હસીનાને ઢાકા પરત મોકલવા માટે સતત દબાણ કરી રહી છે. બીજી તરફ, શેખ હસીનાએ પણ સંકેત આપ્યા છે કે તેઓ ભવિષ્યમાં પોતાના દેશ પરત ફરી શકે છે.

હસીનાના આ લાઈવ કાર્યક્રમને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધુ તણાવ જોવા મળી શકે છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર આ બુધવારની પ્રેસ કોન્ફરન્સ પર ટકેલી છે કે શેખ હસીના પોતાના દેશની સ્થિતિ અને પોતાના પર લાગેલા આરોપો અંગે શું નવા ખુલાસા કરે છે.