Bangladesh Second Pakistan: બાંગ્લાદેશમાં સત્તાપલટો થયાના બે વર્ષ બાદ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના પુત્ર સજીબ વાજેદ જોયે પ્રથમ વખત જાહેરમાં આવીને વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમેરિકાથી ઓનલાઈન સંબોધન કરતા સજીબ વાજેદ જોયે ભારતને ચેતવતા કહ્યું છે કે, બાંગ્લાદેશ હવે ભારતની પૂર્વ સરહદ પર એક નવું પાકિસ્તાન બની ચૂક્યું છે. જો સમયસર વૈશ્વિક હસ્તક્ષેપ નહીં થાય, તો આગામી સમયમાં વિશ્વના નવા આતંકવાદીઓ બાંગ્લાદેશની ધરતી પરથી બહાર આવશે.
આતંકવાદી સંગઠનોને ખુલ્લી છૂટનો દાવો
દિલ્હીના ફોરેન કોરેસ્પોન્ડન્ટ્સ ક્લબ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સજીબ વાજેદે જણાવ્યું હતું કે, અગાઉની અવામી લીગ સરકારના શાસન દરમિયાન જે આતંકવાદીઓને જેલમાં ધકેલી દેવાયા હતા, તેમને વર્તમાન શાસને મુક્ત કરી દીધા છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) અત્યારે બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ સક્રિય થઈ ગઈ છે. અલ-કાયદા જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા લોકો હવે જાહેરમાં રેલીઓ યોજીને ભાષણો આપી રહ્યા છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વની સુરક્ષા માટે અત્યંત ચિંતાજનક બાબત છે.
મોતનો આંકડો અને કાયદાકીય રક્ષણ સામે સવાલો
સજીબ વાજેદે વર્ષ 2024 માં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા મોતના આંકડાઓ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલ મુજબ આ હિંસામાં 1400 લોકોના મોત થયા હતા, જ્યારે વર્તમાન સરકારે આ આંકડો માત્ર 800 નો દર્શાવ્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે બાકીના 600 લોકો કોણ હતા અને સંયુક્ત રાષ્ટ્રને તેમના નામ ક્યાંથી મળ્યા?
આ ઉપરાંત, તેમણે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન લાવવામાં આવેલા અને બાદમાં ફેબ્રુઆરી 2026 ની ચૂંટણી બાદ રચાયેલી બીએનપી (BNP) સરકાર દ્વારા મંજૂર કરાયેલા 'ઇન્ડેમ્નિટી બિલ' (નુકસાન ભરપાઈ કાયદો) ની આકરી ટીકા કરી હતી. આ કાયદા હેઠળ પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિકોની હત્યા કરનારા તોફાની તત્વોને સંપૂર્ણ કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, જે માનવાધિકારની વિરુદ્ધ છે.
ડિસેમ્બરમાં વતન પરત ફરશે શેખ હસીના
આ જ કાર્યક્રમમાં ભારતમાંથી ઓનલાઈન જોડાયેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વતન પરત ફરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ આ વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માંગે છે. વર્ષ 1971 ના મુક્તિ સંગ્રામ બાદ ડિસેમ્બર મહિનાને બાંગ્લાદેશમાં 'વિજયનો મહિનો' માનવામાં આવે છે.
હસીનાએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, તેઓ કાયમ માટે ભારતમાં રહી શકે નહીં અને તેમણે પોતાના દેશના લોકો વચ્ચે પાછા જવું જ પડશે. તેઓ સત્તા લાલસા માટે નહીં પરંતુ દેશને ફરીથી ધર્મનિરપેક્ષતા અને લોકશાહીના માર્ગે લાવવા માટે પરત ફરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, 'મને ખબર છે કે વતન પરત ફરતા જ મને જેલમાં પૂરી દેવામાં આવશે અથવા મારી હત્યા કરી દેવામાં આવી શકે છે, પરંતુ હું મોત કે જેલના ડરથી મારો નિર્ણય બદલવાની નથી.'
