ચંદ્ર પર જોવા મળશે ધમાકો: આજે જ સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની થશે ટક્કર, પૃથ્વી પરથી પણ જોઈ શકાશે નજારો

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આ ટક્કર સમયે સ્પેસએક્સ રોકેટના આ ટુકડાની ઝડપ આશરે 8,700 કિલોમીટર પ્રતિ કલાક (લગભગ 2.5 કિલોમીટર પ્રતિ સેકન્ડ અથવા મેક 7) ની રહેશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 05 Aug 2026 07:31 AM (IST)Updated: Wed, 05 Aug 2026 07:31 AM (IST)
spacex-falcon-9-rocket-stage-to-crash-into-moon-surface
ચંદ્ર

SpaceX Falcon 9: અમેરિકન બિઝનેસ ટાયકૂન એલોન મસ્કની એરોસ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX) નું 'ફાલ્કન-9' (Falcon-9) રોકેટ એક અનોખી ખગોળીય ઘટનાનું કારણ બનવા જઈ રહ્યું છે. ફાલ્કન-9 રોકેટનો ઉપરનો માર્ગદર્શક તબક્કો બુધવારે બપોરે 12:05 વાગ્યે (ભારતીય સમયાનુસાર) ચંદ્રની સપાટી સાથે સીધો અથડાવાનો છે. આ ટક્કરથી ચંદ્રની સપાટી પર એક નવો ખાડો (Crater) સર્જાશે, જે અવકાશ વિજ્ઞાનીઓ માટે અભ્યાસનો વિષય બનશે.

કલાકના 8,700 કિમીની ભયાનક ઝડપે ટક્કર થશે

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આ ટક્કર સમયે સ્પેસએક્સ રોકેટના આ ટુકડાની ઝડપ આશરે 8,700 કિલોમીટર પ્રતિ કલાક (લગભગ 2.5 કિલોમીટર પ્રતિ સેકન્ડ અથવા મેક 7) ની રહેશે. જોકે, આ ભયાનક ટક્કર પૃથ્વી પરથી નરી આંખે સીધી જોઈ શકાશે નહીં. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આટલી તીવ્ર ટક્કરના કારણે ચંદ્રની સપાટી પરથી ધૂળનો વિશાળ વાદળ ઉડશે, જે લગભગ 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વધી શકે છે અને તેને શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી ક્ષણભર માટે નિહાળી શકાશે.

શું છે આ '2025-010D' ની વાર્તા?

સ્વતંત્ર ખગોળશાસ્ત્રી બિલ ગ્રે અને અન્ય વૈજ્ઞાનિકોએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતા આ રોકેટના ભાગને ઓળખી કાઢ્યો છે અને તેને "2025-010D" નામ આપ્યું છે. આ રોકેટ જાન્યુઆરી 2025 માં અમેરિકા અને જાપાનના સંયુક્ત મિશન હેઠળ બે મૂન લેન્ડર્સ અને વૈજ્ઞાનિક સાધનોને અંતરિક્ષમાં મોકલવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે ફાલ્કન-9 ના અમુક ભાગો ફરીથી ઉપયોગમાં લેવા માટે પૃથ્વી પર પાછા મેળવવામાં આવે છે, પરંતુ તેનો ઉપલો તબક્કો અવકાશમાં જ રહી ગયો હતો અને છેલ્લા કેટલાક સમયથી ભ્રમણકક્ષામાં ફરી રહ્યો હતો.

ચંદ્રની સપાટી પર 17 મીટર પહોળો ખાડો બનશે

અવકાશના આ કચરા (Space Debris) નો ટુકડો આશરે 4,000 કિલોગ્રામ વજન ધરાવે છે અને તેનું કદ લગભગ પાંચ માળની ઇમારત જેટલું છે. આ રોકેટ ચંદ્રના જાણીતા 'આઈન્સ્ટાઈન ક્રેટર' પાસે ક્રેશ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ખગોળશાસ્ત્રી બિલ ગ્રેના મતે, આ ટક્કરને કારણે ચંદ્ર પર આશરે 17 મીટર વ્યાસ (પહોળાઈ) ધરાવતો એક નવો ખાડો બની જશે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી ચંદ્રના અસ્તિત્વ કે ભ્રમણકક્ષાને કોઈ મોટું નુકસાન થશે નહીં, પરંતુ ચંદ્રની સપાટીની બનાવટ અને તેના પર થતી અસરોનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોને અત્યંત મૂલ્યવાન ડેટા પ્રાપ્ત થશે.