US Visa Rules: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B અને L-1 વિઝાના એક્સટેન્શનની પ્રક્રિયાને વધુ મોંઘી બનાવવાની તૈયારી કરી રહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) ના રેગ્યુલેટરી એજન્ડા અનુસાર, હવે વર્ક વિઝા લંબાવવાની તમામ પિટિશન પર પણ 9/11 રિસ્પોન્સ અને બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ ફી લાગુ કરવા માટે આખરી નિયમ લાવવામાં આવી રહ્યો છે. તંત્રના આ પગલાથી વિદેશી કુશળ કામદારો પર નિર્ભર અમેરિકન કંપનીઓનો ઇમિગ્રેશન ખર્ચ નોંધપાત્ર રીતે વધી જશે.
વર્તમાન નિયમો અને સૂચિત ફેરફાર
અમેરિકાના પ્રવર્તમાન નિયમો મુજબ, જે કંપનીઓમાં 50 થી વધુ કર્મચારીઓ છે અને તેમાંના 50 ટકાથી વધુ કર્મચારીઓ H-1B અથવા L-1 વિઝા ધરાવે છે, તેમણે પ્રારંભિક ફાઇલિંગ કે એમ્પ્લોયર બદલતી વખતે H-1B પિટિશન માટે વધારાના $4,000 અને L-1 પિટિશન માટે $4,500 ચૂકવવા પડે છે.
પરંતુ DHS ના નવા સૂચિત ફેરફારથી હવે તમામ પ્રકારના H-1B અને L-1 વિઝા એક્સટેન્શન પર પણ આ 9/11 રિસ્પોન્સ ફી ચૂકવવી પડશે. સામાન્ય રીતે H-1B કામદારોને તેમના પ્રારંભિક ત્રણ વર્ષના રોકાણ બાદ વિઝા રિન્યૂ કરાવવા પડે છે.
ભારતીય પ્રોફેશનલ્સ પર સૌથી વધુ અસર
આ નીતિગત ફેરફારની સૌથી વ્યાપક અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2025 માં મંજૂર કરાયેલી કુલ 4,06,685 H-1B અરજીઓમાંથી 71 ટકા (2,91,542) અરજીઓ ચાલુ રોજગારના એક્સટેન્શન માટે હતી. જેમાં 2,26,359 મંજૂરીઓ માત્ર ભારતીય નાગરિકોને મળી હતી, જે કુલ નવીકરણના 77.6 ટકા છે.
બિગ ટેક કંપનીઓનો ખર્ચ વધશે
નવા ફી વધારાથી ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ, એપલ, એમેઝોન અને ટીસીએસ (TCS) જેવી દિગ્ગજ આઈટી કંપનીઓ પર આર્થિક બોજ વધશે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025 માં એમેઝોન પાસે સૌથી વધુ (14,532) અને ટીસીએસ પાસે (5,293) રિન્યુઅલ અરજીઓ મંજૂર થઈ હતી. આ સિવાય મેનેજરો અને એક્ઝિક્યુટિવ્સ માટે L-1 વિઝાનો ઉપયોગ કરતી ગ્લોબલ કંપનીઓના બજેટ પર પણ આ નિર્ણયની સીધી અસર પડશે.
