Who is Indian-American Neal Katyal: યુએસ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વ્યાપક ઇમરજન્સી ટેરિફને ગેરકાયદેસર જાહેર કરીને ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો આંચકો આપ્યો છે. આ ઐતિહાસિક કાનૂની લડાઈના મુખ્ય સૂત્રધાર ભારતીય મૂળના પ્રખ્યાત વકીલ નીલ કાત્યાલ રહ્યા છે. તેમની ધારદાર દલીલો અને કાનૂની કુનેહના કારણે સુપ્રીમ કોર્ટે સ્વીકારવું પડ્યું કે રાષ્ટ્રપતિ પાસે ટેક્સ લાદવાની અમર્યાદિત સત્તા નથી.
શું હતી નીલ કાત્યાલની મુખ્ય દલીલ?
ભૂતપૂર્વ કાર્યકારી સોલિસિટર જનરલ નીલ કાત્યાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નો ઉપયોગ કરીને જે રીતે ટેરિફ લાદવામાં આવ્યા છે, તે સત્તાનો દુરુપયોગ છે. તેમણે દલીલ કરી હતી કે, રાષ્ટ્રપતિ દ્વારા મનસ્વી રીતે ટેરિફ લાદવાનો નિર્ણય માત્ર અન્યાયી જ નહીં પણ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. તેમજ અમેરિકન બંધારણ મુજબ, કોઈપણ પ્રકારનો ટેક્સ કે કરવેરો લાદવાની સત્તા માત્ર કોંગ્રેસ (અમેરિકન સંસદ) પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. અને રાષ્ટ્રપતિ કટોકટીના કાયદાનો ઉપયોગ કરીને સંસદની સત્તા છીનવી શકે નહીં.
જીત બાદ કાત્યાલનો હૂંકાર
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી નીલ કાત્યાલે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, "આજે યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટે કાયદાના શાસન અને સમગ્ર અમેરિકાના હિતમાં વલણ અપનાવ્યું છે. આ ચુકાદાનો સંદેશ એકદમ સરળ છે: ભલે રાષ્ટ્રપતિ ગમે તેટલા શક્તિશાળી હોય, પણ આપણું બંધારણ તેનાથી પણ વધુ શક્તિશાળી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ કેસ ક્યારેય કોઈ એક વ્યક્તિ કે કોઈ એક રાષ્ટ્રપતિ વિરુદ્ધ નહોતો, પરંતુ તે 'સત્તાના વિભાજન' (Separation of Powers) ના સિદ્ધાંતને બચાવવા માટે હતો. 250 વર્ષ જૂના અમેરિકન લોકશાહીના પાયાનું રક્ષણ કરવા બદલ તેમણે કોર્ટનો આભાર માન્યો હતો.
કોણ છે નીલ કાત્યાલ?
નીલ કાત્યાલનો જન્મ અમેરિકામાં ભારતીય ઇમિગ્રન્ટ માતા-પિતાને ત્યાં થયો હતો. તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી અત્યંત તેજસ્વી રહી છે:
- ઓબામા વહીવટીતંત્રમાં સેવા: 2010માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમની નિમણૂક કાર્યકારી સોલિસિટર જનરલ તરીકે કરી હતી. આ પદ પર રહીને તેમણે અનેક મહત્વના કેસોમાં સંઘીય સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- સુપ્રીમ કોર્ટમાં રેકોર્ડ: કાત્યાલે યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ 50 થી વધુ કેસોમાં દલીલો કરી છે, જે અમેરિકામાં લઘુમતી વકીલો માટે એક અનોખો રેકોર્ડ છે.
- મિલબેંક એલએલપી: હાલમાં તેઓ વોશિંગ્ટન સ્થિત પ્રતિષ્ઠિત લો ફર્મ 'મિલબેંક એલએલપી'માં ભાગીદાર છે. તેમની પ્રેક્ટિસમાં પેટન્ટ, સિક્યોરિટીઝ, ફોજદારી અને બંધારણીય કાયદાનો સમાવેશ થાય છે.
- સર્વોચ્ચ સન્માન: 2011માં તેમને ન્યાય વિભાગનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'એડમંડ રેન્ડોલ્ફ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.
ઐતિહાસિક ચુકાદાની અસરો
નીલ કાત્યાલની આ જીતે માત્ર ટ્રમ્પની આર્થિક નીતિઓ પર બ્રેક નથી લગાવી, પરંતુ અમેરિકન લોકશાહીમાં ન્યાયતંત્રની સર્વોપરિતા ફરી એકવાર સાબિત કરી છે. આ ચુકાદા બાદ હવે અમેરિકામાં આયાત થતી વસ્તુઓ પર લાદવામાં આવેલા વધારાના ટેરિફ નાબૂદ થશે, જેનાથી વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ભારત જેવા નિકાસકાર દેશોને મોટી રાહત મળશે. નીલ કાત્યાલની આ સિદ્ધિએ વૈશ્વિક મંચ પર ભારતીય મૂળની પ્રતિભાઓનું માન વધાર્યું છે અને સાબિત કર્યું છે કે કાયદાના જ્ઞાનથી શક્તિશાળીમાં શક્તિશાળી સત્તા સામે પણ જીતી શકાય છે.
