Agriculture: પ્રાકૃતિક કૃષિને સફળ બનાવવા માટે તેના પાંચ મહત્વના આધાર સ્તંભ વિશે જાણો

પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જૈવ વૈવિધતા (સહજીવીપાક)ના ઉપયોગથી થતી ખેતીથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 01 Dec 2025 10:23 AM (IST)Updated: Mon 01 Dec 2025 10:23 AM (IST)
five-important-pillars-of-organic-farming-to-make-it-successful-647630

Organic Farming: ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિશેષ કામગીરી, આયોજન, યોજના અમલીકરણ તથા ખેડૂતોને તાલીમ-પ્રોત્સાહન, વેંચાણમાં મદદ સહિતની કામગીરી કરી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.

પ્રાકૃતિક ખેતીના ફાયદા

પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારના ભાગરૂપે કચ્છના ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી કઇ રીતે કરવી તેની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રથમ એ જાણવું જરૂરી છે કે, પ્રાકૃતિક ખેતી એટલે શું? પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી, પાકની વૃદ્ધિ માટે જરૂરી ઈનપુટ બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે.

પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોએ સૌ પ્રથમ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલા જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્થંભ મુજબ ખેતી કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થાય છે.

પ્રાકૃતિક ખેતીના પંચામૃત

  • 1) બીજામૃત
  • 2) જીવામૃત + ઘન જીવામૃત
  • 3) આચ્છાદન
  • 4) વાફસા (ભેજ)
  • 5) જૈવ વૈવિધતા (સહજીવી પાક)

ગુજરાત રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક, સલ્ફર, વિગેરે પોષકતત્વોની મોટી ઉણપ હોવાથી કોઈપણ પ્રકારની ખેતી પ્રવૃતિમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવો/અળસિયાની સંખ્યા જમીનમાં વધે છે જે જીવંત કે કાષ્ટ આચ્છાદનનું વિઘટન કરી હ્યુમસનું નિર્માણની સાથે અલભ્ય પોષક તત્વોને લભ્ય રૂપમાં ફેરવી ભુમીની ઉત્પાદન ક્ષમતા-ફળદ્રુપતા અને પ્રતિકાર શક્તિ વધારે છે.

પ્રાકૃતિક ખેતીના ફાયદા

  • ભૂમીની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો
  • માત્ર એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર થી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે
  • નહિવત ઉત્પાદન ખર્ચ, રસાયણ મુક્ત ખેત પેદાશ, વધારે ભાવ
  • પાણી અને વીજળીની બચત, મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ
  • પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનુ રક્ષણ, પોષણ અને સંવર્ધન
  • ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ

જીવામૃત તૈયાર કરવાની રીત:

10 લીટર દેશી ગાયનું ગૌમુત્ર + 10 કિગ્રા દેશી ગાયનું તાજું ગોબર + 1 મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/વાડની માટી + 1 કિગ્રા દેશી ગોળ + 1 કિગ્રા ચણા કે કોઈપણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું અને તેને 180 લીટર પાણીના ડ્રમમાં નાખી મિલાવો, ડ્રમને કંતાનની થેલીથી ઢાંકવું અને છાંયડે રાખવું. લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ 2 વખત 5-5 મિનિટ માટે હલાવવું. ઉનાળામાં બે-ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં જીવામૃત તૈયાર થઈ જશે. જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

વાપરવાની રીત :  એક એકર માટે 200 લીટર જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર છંટકાવ કરવો.

ઘન જીવામૃત બનાવવાની રીત :

200 કિગ્રા સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ દેશી ગાયના ગોબરને 20 લીટર જીવામૃત સાથે ભેળવવું. 48 કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળું સ્તર કરી સુકવવું. આ સ્તરને દિવસમાં 2-3 વાર ઉપર નીચે કરવું. સુકાઈ જાય ત્યારે ગાંગડાનો ભુકો કરી શણના કોથળામાં રાખવું. છ માસ સુધી વાપરી કરાય છે.

વાપરવાની રીત :  જમીનમાં અંતિમ ખેડાણ પહેલા પ્રતિ એકર 200 કિગ્રા અને ફુલ અવસ્થાએ પ્રતિ એકર 100 કિગ્રા આપવું.

ફુગની રોકથામ માટે આ રીતે ફુગનાશકો બનાવી શકાય છે -

બીજામૃત

5 લીટર દેશી ગાયનું ગૌમુત્ર + 5 કિગ્રા દેશી ગાયનું તાજું ગોબર + 50 ગ્રામ ચૂનો + 1 મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/વાડની માટીને 20 લીટર પાણીમાં મિશ્રણ કરી 100 કિ ગ્રા બિયારણને પટ આપવા માટે 24 કલાક બાદ ઉપયોગમાં લેવું.

સુંઠાસ્ત્ર

200 ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને 2 લીટર પાણીમાં એટલુ ઉકાળો અથવા પાણી અડધુ થાય બાદમાં ઠંડુ પાડો, બીજા વાસણમાં 2 લીટર દુધને ધીમા તાપે ઉકાળી મલાઈ કાઢી નાખવી. 200 લીટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મિક્સ કરી 2 કલાક બાદ છોડ પર ઉપયોગ કરો.