Scheme to fit geomembrane in farm ponds: ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાથી ઉગારવા માટે રાજ્ય સરકાર દ્વારા 'ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાની યોજના' (9085) શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ કરી, ખેતીમાં તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને પૂરક સિંચાઈ પૂરી પાડવા અને ભૂગર્ભજળ બચાવવાના હેતુથી ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી, વરસાદ ખેંચાય ત્યારે અથવા રવિ સીઝનમાં તેનો ઉપયોગ કરવાનો છે.
વરસાદી પાણીના સંગ્રહથી થશે મોટો ફાયદો
સામાન્ય રીતે ખેત તલાવડીમાં સંગ્રહાયેલું પાણી જમીનમાં ઉતરી જતું હોય છે, પરંતુ જો તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો પાણી સીધું જમીનમાં ઉતરતું નથી. આ સંગ્રહીત પાણીનો ઉપયોગ ખેડૂતો નીચે મુજબ કરી શકશે:
- વરસાદ ખેંચાય ત્યારે પાક બચાવવા માટે પૂરક સિંચાઈ તરીકે.
- રવિ સીઝનમાં પાકની સિંચાઈ માટે.
- આ પદ્ધતિથી ખેતીની ઉપજમાં વધારો થાય છે અને ભૂગર્ભજળની પણ બચત થાય છે.
યોજનાની મુખ્ય વિગતો અને પાત્રતા
- કોને લાભ મળશે: આ યોજના રાજ્યના તમામ ખેડૂતો માટે છે, પરંતુ તે માત્ર પસંદગીના જિલ્લા અને તાલુકાઓમાં જ લાગુ પડશે.
- સરકારી સહાય: જે ખેડૂતોએ સ્વખર્ચે ખેત તલાવડી બનાવી છે, તેમને સરકાર દ્વારા જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે.
- ભૌતિક સહાય: આ એક ભૌતિક સહાય (Physical Help) પ્રકારની યોજના છે, જેમાં કોઈ રોકડ રકમ આપવાને બદલે સીધું સાધન ફીટ કરી આપવામાં આવે છે.
જરૂરી દસ્તાવેજો (બીડાણ)
યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે:
- 1) ૭/૧૨, ૮-અ અને ૬-અ રેકોર્ડની નકલ.
- 2) આધાર કાર્ડની નકલ.
- 3) સોગંદનામું (બાંહેધરી પત્રક).
કેવી રીતે અરજી કરવી?
ખેડૂતો આ યોજના માટે ઓનલાઈન પોર્ટલ https://g-talavadi.gujarat.gov.in પર જઈને નોંધણી કરાવી શકે છે. અરજી ફોર્મ મેળવવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં (ફોર્મની કિંમત ₹0 છે).
યોજનાની મુખ્ય વિગતો:
- લાભિત જિલ્લાઓ: આ યોજના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ એમ કુલ ૧૦ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી છે.
- ખેડૂતોની જવાબદારી: યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ખેત તલાવડીનું ખોદકામ પોતાના ખર્ચે કરવાનું રહેશે. તલાવડીની સાફ-સફાઈ અને જાળવણીનો ખર્ચ પણ ખેડૂતે જ ભોગવવાનો રહેશે.
- સરકારની સહાય: નિર્ધારિત માપદંડ મુજબની ખેત તલાવડીમાં સરકાર દ્વારા પોતાના ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે.
ખેત તલાવડીના નિર્ધારિત માપદંડો:
- લઘુત્તમ સાઈઝ: 15 મીટર x 15 મીટર અને 3 મીટર ઊંડી (જીઓમેમ્બ્રેન જરૂરિયાત 504 ચો.મી.).
- મહત્તમ સાઈઝ: 40 મીટર x 40 મીટર અને 6 મીટર ઊંડી (જીઓમેમ્બ્રેન જરૂરિયાત 2460 ચો.મી.).
જો કોઈ ખેડૂત 2460 ચોરસ મીટરથી વધુ જીઓમેમ્બ્રેનનો ઉપયોગ કરે, તો વધારાનો ખર્ચ તેમણે જાતે ભોગવવાનો રહેશે.
