Sindhu Darshan Yatra Yojana: ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જમ્મુ-કાશ્મીરના લેહ-લદ્દાખ ખાતે યોજાતી 'સિંધુ દર્શન યાત્રા' પર જતા રાજ્યના યાત્રાળુઓ માટે એક વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના યાત્રિકોને સાંસ્કૃતિક એકતાના પ્રતીક સમાન આ યાત્રા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય અને શરતો:
- આર્થિક સહાયની રકમ: આ યોજના હેઠળ દરેક પાત્રતા ધરાવતા યાત્રાળુને રૂપિયા ૧૫,૦૦૦/- (અંકે પંદર હજાર પુરા) ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- કોને લાભ મળશે: આ સહાય મેળવવા માટે યાત્રાળુ ગુજરાત રાજ્યના મૂળ વતની અથવા રહેવાસી હોવા જોઈએ.
- મર્યાદા: એક નાણાંકીય વર્ષમાં મહત્તમ ૨૦૦ યાત્રાળુઓને જ આ સહાયનો લાભ મળે છે. જો ૨૦૦થી વધુ અરજીઓ પ્રાપ્ત થાય, તો ડ્રો પદ્ધતિ દ્વારા યાત્રિકોની પસંદગી કરવામાં આવે છે.
- જીવનકાળમાં એકવાર: આ આર્થિક સહાય સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર મળવાપાત્ર રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો:
યાત્રા પૂર્ણ થયાના 60 દિવસની મર્યાદામાં યાત્રાળુએ નીચે મુજબના દસ્તાવેજો સાથે 'ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર' ને અરજી કરવાની રહેશે:
- ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ.
- ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ.
- રોકાણના પુરાવા: યાત્રાના સ્થળે રોકાણ કર્યું હોય તે અંગેના પુરાવાઓ રજૂ કરવાના રહેશે.
- બેંક વિગત: અરજદારે પોતાના બેંક ખાતાની વિગત અને રદ કરેલ ચેક (Cancelled Cheque) બિડાણ કરવાના રહેશે.
સિંધુ દર્શન યાત્રાનું મહત્વ:
આ યાત્રા દર વર્ષે જૂન માસમાં ૪ દિવસ માટે લેહ-લદ્દાખમાં યોજાય છે. સિંધુ નદી એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે અને આ યાત્રામાં દેશભરમાંથી લોકો પોતાની સ્થાનિક નદીઓનું જળ લાવીને સિંધુ નદીમાં પધરાવે છે, જે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવે છે.
