Benefits of Mulching Farming: કૃષિ ક્ષેત્રે ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. જેની મદદથી તેઓ મબલખ ઉત્પાદનની સાથે તગડી કમાણી પણ કરી રહ્યા છે. હાલ રાજ્યમાં ઘણા ખેડૂતોએ મલ્ચિંગ નામની પદ્ધતિ અપનાવી છે, જેના અનેક લાભો મેળવીને કૃષિને એક નવી દિશા આપી રહ્યાં છે, એમ કહીએ તો ખોટું નથી. મોંઘાદાટ બિયારણ, ખાતર અને મજુરોની અછત વચ્ચે ખેડૂતો મલ્ચિંગ પદ્ધતિને અપનાવી ખેતીનું વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
મલ્ચિંગ એટલે શું?
મલ્ચિંગ એટલે જમીનના ઉપરના ભાગને કોઈ આવરણ વડે ઢાંકી દેવાની પદ્ધતિ, જેમાં જમીનના સપાટ ભાગ પર સજીવ (organic) કે અસજીવ (plastic) આવરણ મૂકી દેવામાં આવે છે, જેથી જમીનની ભેજ ટકી રહે, તાપમાન સંતુલિત રહે અને ઝાડા-ઝાંખર (weeds) ન વધે. જમીન ભેજદાર, ઉપજાઉ અને ઠંડી રહે.
આ પણ વાંચો
આ પદ્ધતિ ખાસ કરીને કૃષિ અને બાગાયતી પાકોમાં ખૂબ ઉપયોગી છે. છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પણ પાક સાથે જમીનનું સંરક્ષણ થઇ શકે છે. જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે સાથે સૂક્ષ્મ સજીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે અને નીંદણનું પણ નિયંત્રણ થઈ જાય છે.
મલ્ચિંગ પદ્ધતિને પરિણામે અન્ય રીતેની સરખામણીમાં વધુ ઉત્પાદન મળી રહે છે. ગ્રામીણ કે શહેરી વિસ્તારોમાં આ મલ્ચિંગ પદ્ધતિ જુના ઢબની પદ્ધતિને નવા રૂપમાં અપનાવીને અનેક લાભ મેળવી શકાય તેમ છે. વહેલુ અને વધુ ઉત્પાદન, જીવાતોથી મુક્તિ જેવા અનેક ફાયદાઓની સાથે અપનાવતી આ મલ્ચિંગ પદ્ધતિ મોંઘવારીના યુગમાં ખેડૂતો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. વેલાવાળા શાકભાજી કે મરચા, રીંગણ જેવા પાકોમાં સફળ રહેલી આ મલ્ચિંગ પદ્ધતિ ધીરે ધીરે ખેડૂત આલમમાં સફળતાનો પગપેસારો કરી રહ્યાં છે.
મલ્ચિંગ પદ્ધતિના લાભ
શાકભાજીના પાકમાં નિંદામણથી મુક્તિ, નિંદામણ ખર્ચનો બચાવ પાણીનો વ્યય અટકે ઓછા પાણીમાં શાકભાજીના પાકનું વધુ ઉત્પાદન, રોપણી બાદ ઉત્પાદનનો સમયગાળો વહેલો, મજુરી ખર્ચમાં ફાયદો, બીજ અંકુરણની ક્રિયા ઝડપી અને રોપણી બાદ શરૂઆતના તબક્કામાં જીવાત કે રોગ લાગવાની શક્યતા નહીંવત રહે છે.
જિલ્લાના ખેડૂતો વર્ષોથી આ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાના પાકને પોષણયુક્ત અને નિંદામણ રહિત બનાવે છે.આમ, મલ્ચિંગ એ પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે ફાયદાકારક પદ્ધતિ છે. તે પાણી બચાવે છે, ઉપજ વધારે છે અને જમીનની ગુણવત્તા જાળવી રાખે છે.
