Agriculture: પ્રાકૃતિક ઢબે ઉગાડેલા શાકભાજી અને ફળોનું સેવન કરવાથી થાય અનેક લાભ

પ્રાકૃતિક કૃષિ એવી ખેતી પદ્ધતિ છે જેમાં કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ થતો નથી. ખેતરનું પોષણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કુદરતી સંસાધનો દ્વારા પૂરૂં કરવામાં આવે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Thu 04 Dec 2025 02:55 PM (IST)Updated: Thu 04 Dec 2025 02:55 PM (IST)
many-benefits-to-consuming-naturally-grown-vegetables-and-fruits-649454

Agriculture News: આધુનિક યુગમાં લોકોના જીવનમાં આરોગ્ય પ્રત્યેનો અભિગમ ઝડપથી બદલાઈ રહ્યો છે. આરોગ્યપ્રદ ખોરાક અને ખેતી પ્રત્યે વધતી જતી માંગને કારણે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય તરીકે ઉભરી આવી છે. અહીં શાકભાજી અને ફળો સંપૂર્ણપણે 0 ટકા જંતુનાશક સાથે, કુદરતી રીતો વડે ઉગાડવામાં આવે છે. આ પદ્ધતિ માત્ર ખેતી નહિ પરંતુ કુદરત સાથે સમન્વયથી જીવન જીવવાનો એક વિસ્તૃત દૃષ્ટિકોણ છે.

પ્રાકૃતિક કૃષિ એવી ખેતી પદ્ધતિ છે જેમાં કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ થતો નથી. ખેતરનું પોષણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કુદરતી સંસાધનો દ્વારા પૂરૂં કરવામાં આવે છે, જેમ કે - ગાયનું ખાતર, ગૌમૂત્ર, જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ,વાવેતર વચ્ચેના પ્રાકૃતિક છોડના કારણે જમીન ફળદ્રુપતા જાળવે છે, જમીનમાં રહેલા જીવાણુઓનું સંતુલન વધારે છે.

0 ટકા જંતુનાશક ખેતીનું મહત્વ

  • શુદ્ધ, સલામત અને પૌષ્ટિક ખોરાક: કેમિકલ રહિત શાકભાજી અને ફળો સ્વાદ, સુગંધ અને રંગમાં વધુ સારા હોય છે. એ શરીરને વધુ પૌષ્ટિક મૂલ્ય આપે છે.
  • જમીનની તંદુરસ્તીનું રક્ષણ: રાસાયણિક પદાર્થો જમીનનાં સજીવતંત્રને નુકસાન પહોંચાડે છે. નેચરલ ફાર્મિંગ જમીનને ફરીથી જીવંત અને શક્તિશાળી બનાવે છે.
  • પર્યાવરણનું રક્ષણ: પ્રાકૃતિક ખેતી દ્વારા ભૂગર્ભજળ પ્રદૂષણ અટકે, પક્ષીઓ અને જમીનના કીડા-જંતુઓનું સંવર્ધન થાય છે.
  • વધતી બજાર માંગ: આજના યુગમાં ઝેરમુક્ત શાકભાજી અને ફળોને માર્કેટમાં વધતી માંગ મળી રહી છે, જેના કારણે ખેડૂતોને વધારે ભાવ પણ પ્રાપ્ત થાય છે.

શાકભાજી અને ફળોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ

  • જીવામૃત અને બીજામૃત: ગાયના ખાતર, ગૌમૂત્ર, ગુળ અને ચણાના લોટથી બનતી આ મિશ્રિત દવા કુદરતી ખાતર અને જમીન જીવાણુવર્ધક તરીકે કાર્ય કરે છે.
  • મલ્ચિંગ: સુકી પાંદડીઓ, ઘાસ અને પાકના અવશેષોથી જમીન ઢાંકી રાખવાથી ભેજ જળવાય છે, જમીન નરમ રહે છે અને નિંદણ ઓછું થાય છે.
  • ઓછી પાણીની ખેતી: પ્રાકૃતિક ખેતીમાં પાણીની ઓછી જરૂર પડે છે. ટપક સિંચાઈ અને ભેજ નિયંત્રણ પાકની તંદુરસ્તી વધારી આપે છે.
  • બોટનિકલ કીટનાશક: લીમડો, લસણ, આદુ, છાશ અને દહીંના મિશ્રણોથી બનેલા દ્રાવણ કુદરતી કીટનાશક તરીકે ઉપયોગી છે. તે છોડને રોગોથી બચાવે છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ભીંડો, ટામેટા,રીંગણ,કાકડી, લીલા પાંદડાવાળા શાકભાજી, દુધી, મૂળા, ગાજર, લીલી હળદર, લીલું લસણ, ફૂદીનો, કોથમીર શાકભાજી ઉત્તમ ગુણવત્તાના મળી રહે છે. આ શાકભાજી લાંબા સમય સુધી તાજા રહે છે અને સ્વાદ એકદમ સાત્વિક હોય છે.

કેળાં, પપૈયા, જામફળ, કેરી, ચીકુ અને દાડમ જેવા ફળોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અજમાવી હોય તો ફળોની મીઠાશ, સુગંધ અને આકારમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો 60 ટકા સુધી ખેતી ખર્ચમાં બચત થાય છે કારણ કે રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઈડ ખરીદવાની જરૂર રહેતી નથી. લાંબા ગાળે જમીન વધુ ફળદ્રુપ બનતી હોવાથી ઉત્પાદન પણ સ્થિર રહે છે.

0 ટકા જંતુનાશક સાથેની પ્રાકૃતિક કૃષિ હવે વિકલ્પ નહીં, પરંતુ ભવિષ્યની જરૂરિયાત બની રહી છે. ખેડૂતોને ટકાઉ ખેતી તરફ દોરી જઈને, ગ્રાહકોને શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક પૂરો પાડીને—આ પદ્ધતિ સમાજને વધુ સ્વસ્થ બનાવે છે. આમ, પ્રાકૃતિક કૃષિ માત્ર શરીરને નહીં પરંતુ ધરતીના ભવિષ્યને પણ પોષે છે.