UpdatedIST

Sabarkantha: નવલપુર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી નવી રાહ ચીંધી, પૃથ્વીસિંહ 'ઝીરો બજેટ'થી મેળવી રહ્યા છે સમૃદ્ધિ

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેની ગુજરાત સરકારની 'ગાય નિભાવ સહાય યોજના' હેઠળ પૃથ્વીસિંહ મકવાણાને વાર્ષિક 10,800 રૂપિયાનો લાભ મળી રહ્યો છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 22 Feb 2026 10:00 PM (IST)Updated: Sun 22 Feb 2026 10:00 PM (IST)
sabarkantha-farmer-turns-to-natural-farming-practices-zero-budget-agriculture-for-7-years-696858
HIGHLIGHTS
  • પૃથ્વીસિંહ મગફળી, બાજરી, મકાઈ અને ઘઉની પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે
  • દરેકે ઝેરમુક્ત ખેતી તરફ વળવું જોઈએ: પ્રગતિશીલ ખેડૂત પૃથ્વીસિંહ મકવાણા

Sabarkantha: વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામના ખેડૂત પૃથ્વીસિંહ પ્રહલાદસિંહ મકવાણાએ પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા 7 વર્ષથી તેઓ કોઈ પણ જાતના મોંઘા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે.

પૃથ્વીસિંહ મકવાણા તેમના ખેતરમાં મુખ્યત્વે મગફળી, બાજરી, મકાઈ અને ઘઉં જેવા પાકોનું વાવેતર પ્રાકૃતિક પદ્ધતિથી કરે છે. આ પદ્ધતિમાં ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે, જેને કારણે તેને 'ઝીરો બજેટ ખેતી' કહેવામાં આવે છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલા જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘ગાય નિભાવ સહાય યોજના’ હેઠળ પૃથ્વીસિંહને સહાય મળી રહી છે. આ યોજના અંતર્ગત તેમને દર મહિને રૂ.900 લેખે વાર્ષિક રૂ.10,800ની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાયથી ખેડૂતને દેશી ગાય રાખવામાં આર્થિક મદદ મળે છે, જે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર છે.

આ અંગે પૃથ્વીસિંહે જણાવ્યું કે, શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી અઘરી લાગતી હતી, પણ છેલ્લા 6-7 વર્ષના અનુભવ પછી હવે ખર્ચ ઘટી ગયો છે અને ઉત્પાદન શુદ્ધ મળે છે. સરકાર તરફથી મળતી ગાય નિભાવ સહાય ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. દરેક ખેડૂતે ઝેરમુક્ત ખેતી તરફ વળવું જોઈએ.