Agriculture News: સામાન્ય રીતે આપણે સૌ રસાયણ મુક્ત ખેતીને સજીવ ખેતી તરીકે જાણીએ છીએ. સેન્દ્રિય ખેતી, ટકાઉ ખેતી કે અંગ્રેજીમાં ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે જુએ છે. ખેડૂત મિત્રોએ, એ ઉંડાણપૂર્વક રીતે સમજવું જોઈએ કે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ (સેન્દ્રિય ખેતી) વચ્ચે સામ્યતા અને તફાવત બંને છે. હવે, આ સામ્યતા કઈ કઈ છે ? અને તફાવત શું છે ? તેની વિગતે ચર્ચા કરીએ…
બંને ખેતી પદ્ધતિઓ વચ્ચે સામ્યતા પર દ્રષ્ટિ કરીએ
પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતી બંનેમાં પ્રકૃતિનું શોષણ અને દોહન નથી કરવાનું તે વાત સ્પષ્ટ છે. આ બંને ખેતી પદ્ધતિ કુદરતી સ્ત્રોતોના જતનની વાત પર ભાર મૂકે છે. આ ઉપરાંત ખેડૂતોએ રસાયણ મુક્ત ખેતી કરવી તે સૂચન પણ કરે છે.
આ પણ વાંચો
પ્રાકૃતિક ખેતી શું છે?
આ કૃષિ પદ્ધતિને ઘણી જગ્યાએ “ઓછાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે ઓળખાય છે. આ ખેતી પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો મુજબ ખેતીમાં બહારના સંસાધનો બિલકુલ વાપરવાના નથી તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલાં અથવા દેશી સુધારેલા બિયારણનો જ ખેતીમાં ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પાણી વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદિત પાકના અવશેષો, ગાયના ગોબર ગૌમૂત્ર, અળસીયાની પ્રવૃત્તિને વેગવાન બનાવીને તથા લીલા પડવાશ કે અન્ય ખેતી વ્યવસ્થા દ્વારા જ કરવાની રહે છે.
પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત
1) ઓર્ગેનિક ખેતી એ એક સર્વગ્રાહી પ્રણાલી છે. જે એગ્રો ઇકો સીસ્ટમમાં વિવિધ સમુદાયની ઉત્પાદકતા અને યોગ્યતાને શ્રેષ્ઠ બનાવવા માટે રચાયેલ છે. માટીના જીવો, છોડ, પશુધનનો સમાવેશ થાય છે. ઓર્ગેનિક ઉત્પાદનનું ધ્યેય પર્યાવરણ સાથે ટકાઉ અને સુમેળ ભર્યું હોય તેવા સાહસો વિકસાવવાનું છે.
જ્યારે પ્રાકૃતિક ખેતી એ એક એવી પ્રણાલી છે, કે જ્યાં કુદરતના નિયમોને કૃષિ પદ્ધતિઓ પર લાગુ કરવામાં આવે છે. આ ખેતી પદ્ધતિ દરેક ખેતીવાળા વિસ્તારની પ્રાકૃતિક જૈવ વિવિધતા સાથે કામ કરે છે. તેમાં જીવંત સજીવોની જટિલતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. છોડ અને પ્રાણીઓને કે જે દરેક ચોક્કસ ઇકો સિસ્ટમને ખાદ્ય વનસ્પતિઓ સાથે ખીલવા માટે આકાર આપે છે. અહીં સૂક્ષ્મજીવાણુઓ અને અળસિયાની સંખ્યા જમીનમાં વધારવામાં આવે છે. જેમના દ્વારા સપાટી પર જાળવી રાખેલ પાકના અવશેષોના સજીવ પદાર્થો તરીકે વિઘટનને પ્રોત્સાહન આપે છે.
2) ઓર્ગેનિક ખેતી આસપાસના વાતાવરણને અસર કરે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી પર્યાવરણને અનુકૂળ અને સ્થાનિક જૈવ વિવિધતાને સારી રીતે અપનાવે છે.
3) પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિ પર ભાર મુકવામાં આવે છે. જેનાથી ખેતી પાકોમાં રોગ જીવાત ઓછા આવે. સહજીવી પાકો એકબીજાને પોષણ આપવાનું પણ કાર્ય કરે છે.
4) ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદનોનું વેચાણ કરતી વખતે પ્રમાણપત્ર ફરજિયાત છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદનને ઉગાડવા કે વેચવા માટે પ્રમાણપત્રની જરૂર નથી.
5) ઓર્ગેનિક ખેતીમાં જમીનને રાસાયણિક ખેતીમાંથી સજીવમાં રૂપાંતરિત કરવા માટે જમીનના સ્વાસ્થ્યને આધારે ૩ થી ૬ વર્ષનો સમય લાગે છે. ત્યારે રાસાયણિક ખેતીને પ્રાકૃતિક ખેતીમાં રૂપાંતરિત કરવા માટે કોઈ સમયગાળો નથી.
