Surat News, South Gujarat Mango Exports: ફળોના રાજા ગણાતી કેરીની સિઝન પૂર્ણ થઈ છે, ત્યારે દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને નિકાસકારો માટે આ વર્ષ લાભદાયી નીવડ્યું છે.
સ્વાદ અને સુગંધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત વલસાડી હાફુસ અને કેસર કેરીની યુરોપ અને ગલ્ફ દેશો સહિતના વૈશ્વિક બજારોમાં મોટા પાયે નિકાસ કરવામાં આવી છે. માત્ર કેરી જ નહીં, પરંતુ પ્રદેશના ગુણવત્તાયુક્ત શાકભાજી અને અન્ય ફળોએ પણ વિદેશી બજારોમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે.
સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લાઓમાંથી જાન્યુઆરી-2026થી તા. 30 જૂન, 2026 દરમિયાન 21 દેશોમાં 181 મેટ્રિક ટનથી વધુ ગુણવત્તાયુક્ત કેરીની નિકાસ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કેનેડા, યુનાઇટેડ કિંગડમ (UK), સ્વિત્ઝરલેન્ડ, જર્મની, મોરેશિયસ, સંયુક્ત આરબ અમીરાત (UAE), સ્વીડન, સ્પેન, આયર્લેન્ડ, કતાર, બેલ્જિયમ, ઇટાલી, ફ્રાન્સ, તુર્કી સહિત કુલ 21 દેશોમાં કેરીની સફળતાપૂર્વક નિકાસ કરવામાં આવી છે.
આ નિકાસમાં મુખ્યત્વે કેસર, રાજાપુરી, તોતાપુરી, હાફુસ, બદામી, દશેરી અને લંગડા જાતોની કેરીનો સમાવેશ થાય છે, જેના પરિણામે ખેડૂતોને સારો આર્થિક લાભ મળ્યો છે.
દક્ષિણ ગુજરાતમાંથી 3,432 મેટ્રિક ટન શાકભાજી તથા અન્ય ફળોની નિકાસ કરાઈ
દક્ષિણ ગુજરાતમાંથી માત્ર કેરી જ નહીં, પરંતુ વિવિધ શાકભાજી અને અન્ય ફળોની પણ વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તા. 1 એપ્રિલ, 2025થી તા. 31 માર્ચ, 2026 દરમિયાન કુલ 3,432 મેટ્રિક ટનથી વધુ શાકભાજી અને અન્ય ફળોની નિકાસ કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાંથી ભીંડા, મરચાં, દુધી, કારેલા, ગલકા, તુરીયા, હળદર, પાપડી, ટીંડોળા વગેરે શાકભાજીની પણ મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને ભીંડા અને મરચાંની નિકાસ માટે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાએ મહત્વનું સ્થાન મેળવ્યું છે. આ પેદાશોની નિકાસ અમેરિકા (USA), સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઓમાન, તાન્ઝાનિયા, થાઈલેન્ડ તથા સ્વિત્ઝરલેન્ડ જેવા દેશોમાં કરવામાં આવે છે.

વૈશ્વિક ગુણવત્તા નિયંત્રણ (Quality Control) તથા ફાયટોસેનિટરી ધોરણોને અનુરૂપ ઉત્પાદન અને પરીક્ષણના કારણે દક્ષિણ ગુજરાતની કૃષિ પેદાશોએ આંતરરાષ્ટ્રીય બજારમાં આગવી ઓળખ ઊભી કરી છે, જેના કારણે ખેડૂતોને વધુ સારા અને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે.
ઈરેડિયેશન પ્રક્રિયા માટે સરકારી સહાયથી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલ્યા
રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોની નિકાસને પ્રોત્સાહન આપવા તથા ઇરેડિયેશન પ્રક્રિયા માટે વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડની નિકાસ માટે પરિવહન સહાય, હવાઈ માર્ગે બાગાયતી પેદાશોની નિકાસ માટે પરિવહન ભાડામાં સહાય તેમજ બાગાયતી પાકોની ઇરેડિયેશન પ્રક્રિયા માટે નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળા, ચીકુ જેવા બાગાયતી પાકોની નિકાસ થવાથી ખેડૂતોને સ્થાનિક બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારનો પણ લાભ મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં વધતી માંગ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદનના કારણે બાગાયતી પાકોની નિકાસની તકો સતત વધી રહી છે. જેના પરિણામે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે.
જે ખેડૂતો બાગાયતી પેદાશોની નિકાસ કરવા ઇચ્છતા હોય તેમણે પોતાના ફાર્મની APEDAના HortiNet પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે. તે માટે જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરવો. ઉપરાંત, નિકાસ માટેના ગુણવત્તા અને ફાયટોસેનિટરી ધોરણોનું પાલન કરવું આવશ્યક છે.
