Tuver Totha: શિયાળામાં પણ પરસેવો લાવી દે તેવા તીખા તમતમતા તુવેર ટોઠા બનાવવાની રેસિપી

શિયાળો આવે એટલે તીખા તમતમતા તુવેર ટોઠા ખાવાનું મન થતું હોય છે. બાજરા કે મકાઈના રોટલા સાથે આ તુવેર ટોઠા ખાવાની મજા પણ અલગ છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Wed 26 Nov 2025 06:27 PM (IST)Updated: Wed 26 Nov 2025 06:27 PM (IST)
how-to-make-tuver-na-totha-winter-special-recipe-645004

Tuver Totha Recipe: શિયાળો આવે એટલે તીખા તમતમતા તુવેર ટોઠા ખાવાનું મન થતું હોય છે. બાજરા કે મકાઈના રોટલા સાથે આ તુવેર ટોઠા ખાવાની મજા પણ અલગ છે. સાથે લીલી ડુગળી, ગોલ અને છાસ હોય તો વાત જ શું પુછવી. શિયાળમાં પણ માથા પર પરસેવો લાવી દે તેવા તુવેર ટોઠા દરેકને પસંદ હોય છે. આજે તુવેર ટોઠા બનાવવાની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

જરૂરી સામગ્રી

  • લીલી તુવેર: 2 વાટકી (અથવા વજનમાં 300 ગ્રામ).
  • મીઠું: સ્વાદ પ્રમાણે.
  • ખાંડ
  • પાણી
  • તેલ (સીંગ તેલ): અડધો કપ જેટલું.
  • આખા મસાલા: જીરું (1 મોટી ચમચી),
  • લીલી વરિયાળી (1 ચમચી),
  • સફેદ તલ (1 મોટી ચમચી),
  • તમાલપત્ર (2 નંગ),
  • સૂકા લાલ મરચાં (3 નંગ),
  • લવિંગ (5 નંગ),
  • તજનો ટુકડો (1 ઇંચ),
  • બાદિયું (1 નંગ),
  • અજમો (1 ચમચી),
  • હિંગ (1 પિંચ).
  • (અજમો ટોઠા પચવામાં હળવા રહે તે માટે ઉમેરવો).
  • ગ્રેવી માટે: લીલા મરચાના ટુકડા (4 થી 5 નંગ),
  • આદુના ટુકડા (2 inch),
  • ઝીણું સુધારેલું લીલું લસણ (150 g / 1 મોટો કપ),
  • ઝીણી સુધારેલી ડુંગળી (2 મીડિયમ સાઈઝ / 3/4 કપ),
  • ઝીણી સુધારેલી લીલી ડુંગળી (150 g / 1 મોટો કપ),
  • ટમેટાની પ્યુરી (2 નાની સાઈઝ / 3/4 કપ).
  • સૂકા મસાલા: હળદર પાવડર (1 ચમચી),
  • લાલ મરચું પાવડર (2 મોટી ચમચી),
  • ધાણાજીરું પાવડર (2 મોટી ચમચી),
  • ગરમ મસાલા પાવડર (1 ચમચી).
  • રસો કરવા માટે: ફક્ત એક કપ જેટલું ગરમ પાણી.
  • અંતિમ સ્વાદ માટે: ગોળ (2 મોટી ચમચી જેટલો),
  • લીંબુનો રસ (1 ચમચી જેટલો),
  • કોથમીર.

બનાવવાની રીત

તુવેર બાફવી

લીધેલા તુવેરના દાણામાં સ્વાદ પ્રમાણે મીઠું અને દાણાનો કલર જળવાઈ રહે તે માટે ફક્ત એક પિંચ જેટલી ખાંડ એડ કરી દેવી.
દાણાથી અડધું એટલે કે એક કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લેવી.
કુકરનું ઢાંકણ બંધ કરીને મીડીયમ ગેસની ફ્લેમ પર ચાર વિસલ કરી લેવી.
તુવેરને ત્યાં સુધી બાફવી જ્યાં સુધી તેનો દાણો એકદમ સારી રીતે ફાટીને સોફ્ટ ન થઈ જાય. જો દાણો આખો હોય તો તે ટોઠાની ગ્રેવીમાં છૂટો રહેશે. જો દાણા આ સમયે થોડા પણ આખા લાગતા હોય, તો એક થી બે વિસલ વધુ કરી લેવી.

ટોઠાનો વઘાર કરવો

  • કડાઈમાં અડધા કપ જેટલું તેલ એડ કરીને ગરમ કરવું.
  • તેલમાં જીરું, લીલી વરિયાળી, સફેદ તલ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લવિંગ, તજનો ટુકડો, બાદિયું, અજમો અને હિંગ એડ કરીને બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાંતળી લેવી.
  • હવે તેમાં લીલા મરચાના ટુકડા, આદુના ટુકડા અને ઝીણું સુધારેલું લીલું લસણ (150 ગ્રામ) એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાંતળી લેવી.
  • ત્યારબાદ ઝીણી સુધારેલી ડુંગળી (3/4 કપ) એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવી.
  • પછી ઝીણી સુધારેલી લીલી ડુંગળી (150 ગ્રામ) ઉમેરીને સારી રીતે સાંતળી લેવી. (લીલી ડુંગળીને કૂક થતા એકદમ ઓછો સમય લાગે છે).
  • હવે ટમેટાની પ્યુરી (3/4 કપ) ઉમેરી દેવી. ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સારી રીતે સાંતળી લેવું.
  • લગભગ બે મિનિટમાં ટમેટાની ગ્રેવી સતળાઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી જાય પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવી.

મસાલા સાંતળવા

ધીમા ગેસ પર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરીને બધા જ મસાલાને તેલમાં સારી રીતે સાંતળી લેવા. મસાલાને આ રીતના તેલમાં સાંતળવાથી ટોઠાની ફ્લેવર એકદમ સરસ આવે છે.
મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડી જાય મીન્સ કે તે સારી રીતે સતળાઈ ગયા છે.
કુકર ઠરી ગયા બાદ, બફેલા તુવેરના દાણાને વઘારમાં એડ કરી દેવા અને સારી રીતે મિક્સ કરી લેવા.
રસો કરવા માટે ફક્ત એક કપ જેટલું ગરમ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું.

  1. મિક્સ કરતી વખતે દાણાને થોડા ચમચાથી મેશ કરી દેવા. આમ કરવાથી તે ગ્રેવીના રસાને થીકનેસ આપશે.
  2. બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર 10 મિનિટ માટે કૂક કરી લેવા. (આનાથી ગ્રેવીની બધી જ ફ્લેવર દાણામાં આવી જાય).

સર્વ કરો

  • 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને, તેમાં બે મોટી ચમચી જેટલો ગોળ અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લેવું. (ગોળથી બધા ટેસ્ટ બેલેન્સ થાશે અને લીંબુના રસથી ટોઠા એકદમ ચટપટા તૈયાર થાશે).
  • વસ્તુઓ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી.
  • તૈયાર થયેલા ટોઠા ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લેવા.
  • ગરમાગરમ તુવેરના ટોઠા બ્રેડ અને જલેબી સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે.

ધ્યાનમાં રાખવા જેવી વાતો

  • તુવેરને ત્યાં સુધી બાફવાની છે જ્યાં સુધી તેનો દાણો એકદમ સારી રીતે ફાટીને સોફ્ટ ન થઈ જાય, જેથી તે ગ્રેવીના મિક્સચરમાં સારી રીતે ભળી જાય.
  • ટોઠાની ગ્રેવીમાં તમે જેટલા તુવેરના દાણા લેતા હોય તેનાથી અડધી કોન્ટીટીમાં તમારે લીલું લસણ લેવાનું છે, જેનાથી ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ આવશે.
  • ટોઠાને ગ્રેવીમાં એડ કર્યા પછી, તમારે તેને ધીમા ગેસ પર કૂક કરી લેવાના છે, જેથી દાણામાં ગ્રેવીની બધી જ ફ્લેવર આવી જાય.
  • બફાયેલા દાણાને ચમચાની મદદથી થોડા મેશ કરી લેવાના છે, જેથી ગ્રેવીના રસામાં થીકનેસ આવી જાય.
  • શિયાળાને લીધે અત્યારના માર્કેટમાં લીલી તુવેર ખૂબ જ સહેલાઈથી મળી જાય છે અને ફક્ત 15 થી 20 મિનિટમાં ટોઠા બનીને તૈયાર થઈ જાય છે.