Cholesterol Levels: ભારતમાં હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોકના વધતા જતા કેસો વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના એક તાજેતરના રાષ્ટ્રવ્યાપી અભ્યાસ અનુસાર, દેશના આશરે 90% પુખ્ત વયના લોકોમાં (એટલે કે દર 10 માંથી 9 વ્યક્તિમાં) ઓછામાં ઓછું એક અસામાન્ય રક્ત લિપિડ (કોલેસ્ટ્રોલ) સ્તર જોવા મળ્યું છે. 'ICMR-INDIAB' નામના આ સર્વેક્ષણમાં દેશના વિવિધ પ્રદેશોમાંથી 23,665 પુખ્ત વયના લોકોના હેલ્થ ડેટાનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જે ભારતમાં હૃદય રોગના વધતા જતા ગંભીર જોખમને સ્પષ્ટપણે રેખાંકિત કરે છે.
શું છે આ ‘સાયલન્ટ’ જોખમ?
તબીબી ભાષામાં લોહીમાં કોલેસ્ટ્રોલ અથવા ટ્રાઇગ્લિસરાઇડ્સના અસંતુલનને 'ડિસ્લિપિડેમિયા' કહેવામાં આવે છે. સંશોધકોના જણાવ્યા મુજબ, આ એક એવી ગંભીર સમસ્યા છે જેના શરૂઆતના તબક્કામાં કોઈ જ લક્ષણો દેખાતા નથી, જેના કારણે લોકો તેનાથી અજાણ રહે છે. ડોક્ટરો ચેતવણી આપે છે કે અસામાન્ય કોલેસ્ટ્રોલ તાત્કાલિક કોઈ તકલીફ નથી આપતું, પરંતુ તે ધીમે-ધીમે ધમનીઓની અંદર ચરબી તરીકે જમા થઈને રક્તવાહિનીઓને સાંકડી કરે છે. સમય જતાં આનાથી હૃદય તરફ થતો રક્ત પ્રવાહ અવરોધાય છે, જે હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું મુખ્ય કારણ બને છે.
‘સારું’ કોલેસ્ટ્રોલ ઓછું હોવું એ સૌથી મોટી સમસ્યા
આ સંશોધનમાં કોલેસ્ટ્રોલના અલગ-અલગ સ્તરોને લઈને મહત્વના આંકડા સામે આવ્યા છે:
- ઓછું HDL (સારું કોલેસ્ટ્રોલ): આ અભ્યાસમાં સૌથી સામાન્ય સમસ્યા ગુડ કોલેસ્ટ્રોલની ઉણપ જોવા મળી હતી, જે સર્વેમાં સામેલ 66.8% લોકોમાં નોંધાઈ હતી.
- ઊંચું LDL (ખરાબ કોલેસ્ટ્રોલ): આશરે 49.4% એટલે કે અડધા અડધ લોકોમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ચિંતાજનક રીતે ઊંચું હતું.
- ઊંચું ટ્રાઇગ્લિસરાઇડ: 29.5% લોકોમાં ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું હતું.
નિષ્ણાતોના મતે, ચિંતાની વાત એ છે કે આ બધી સમસ્યાઓ લોકોમાં એકલી દેખાવાને બદલે એકસાથે (કોમ્બિનેશનમાં) જોવા મળી રહી છે.
મહિલાઓ અને શહેરી વસ્તી પર વધુ જોખમ
અભ્યાસના તારણો દર્શાવે છે કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ, ગામડાં કરતાં શહેરોમાં રહેતા લોકો અને ખાસ કરીને મધ્ય ભારતના રહેવાસીઓમાં અસામાન્ય લિપિડ સ્તર વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. આ ઉપરાંત જેઓ ડાયાબિટીસ, પ્રી-ડાયાબિટીસ, સ્થૂળતા (ઓવરવેઇટ) અને હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) જેવી મેટાબોલિક બીમારીઓથી પીડિત છે, તેમનામાં આ જોખમ અનેકગણું વધારે છે. ભૌગોલિક દ્રષ્ટિએ મધ્ય ભારતમાં આ વ્યાપ સૌથી વધુ (89.1%) અને ઉત્તર-પૂર્વમાં સૌથી ઓછો (85.3%) હતો. પરંતુ દેશના તમામ ભાગોમાં સરેરાશ 10 માંથી 8 લોકો આનાથી પ્રભાવિત છે.
બચાવ અને વહેલી તપાસ જ એકમાત્ર ઉપાય
હવે માત્ર મોટી ઉંમરના જ નહીં, પરંતુ 30 વર્ષની આસપાસના યુવાનોમાં પણ આ સમસ્યા સામાન્ય બની રહી છે. ડિસ્લિપિડેમિયા થવા પાછળ ખરાબ આહાર શૈલી, શારીરિક નિષ્ક્રિયતા, બેઠાડું જીવન, ધૂમ્રપાન, દારૂનું સેવન અને આનુવંશિકતા જવાબદાર છે. લક્ષણો વગરની આ બીમારીને ઓળખવાનો એકમાત્ર રસ્તો નિયમિત 'લિપિડ પ્રોફાઇલ' બ્લડ ટેસ્ટ છે. નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે વહેલી તપાસ, નિયમિત કસરત, હેલ્ધી ડાયેટ અને ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવાથી હૃદય રોગના જોખમને સમયસર ટાળીને જીવન બચાવી શકાય છે.
