મહિને કેટલા કિલો શાક અને દાળ ખાવી જોઈએ? જાણો ICMR ની નવી ગાઈડલાઈન

ICMRની નવી ગાઈડલાઈન મુજબ મહિને કેટલી દાળ, કઠોળ અને શાકભાજી ખાવું જોઈએ? જાણો ભારતીયોની થાળીમાં પોષણની ખામી, વધુ અનાજના નુકસાન અને સંતુલિત આહાર માટે નિષ્ણાતોની સલાહ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 01 Jun 2026 12:18 PM (IST)Updated: Mon, 01 Jun 2026 12:18 PM (IST)
monthly-vegetable-pulses-intake-limit-indian-overeating-cereals-icmr-study

ICMR Study on Indian Food Habits: ભારતીય સંસ્કૃતિમાં આહારનું ખૂબ મહત્વ છે. આપણા રસોડામાં રોટલી, ભાત કે પરાઠા વિનાની થાળી અધૂરી ગણાય છે. નાનપણથી જ આપણને પેટ ભરીને અનાજ ખાવાની આદત હોય છે. પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના તાજેતરના એક અભ્યાસે આપણને વિચારતા કરી મૂક્યા છે. 2022-23 ના ઘરગથ્થુ વપરાશ સર્વેક્ષણના ડેટા પર આધારિત આ અહેવાલમાં બહાર આવ્યું છે કે, મોટાભાગના ભારતીયો જરૂરિયાત કરતાં વધુ અનાજ ખાઈ રહ્યા છે, જ્યારે શરીર માટે જરૂરી પ્રોટીન, કઠોળ, લીલા શાકભાજી અને ફળોનું સેવન ખૂબ જ ઓછું છે. આ અસંતુલિત આહારને કારણે દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓ ઝડપથી વધી રહી છે.

અનાજનો વધુ પડતો વપરાશ

અભ્યાસ મુજબ, સરેરાશ વ્યક્તિને દર મહિને આશરે 7.5 કિલોગ્રામ અનાજની જરૂર હોય છે. પરંતુ પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ત્રિપુરા જેવા રાજ્યોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો દર મહિને 10 થી 11 કિલોગ્રામ અનાજ આરોગે છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં રોટલી અને ભાત બનાવવા સરળ હોવાથી લોકો પેટ ભરવા તેનો વધુ ઉપયોગ કરે છે, જેનાથી શરીરમાં માત્ર કાર્બોહાઇડ્રેટ્સ વધે છે અને જરૂરી પોષક તત્વો મળતા નથી.

પ્રોટીન અને શાકભાજીનો વપરાશ ઓછા

ICMR ની માર્ગદર્શિકા અનુસાર, સ્વાસ્થ્ય સારું રાખવા માટે વ્યક્તિએ દર મહિને 12 કિલોગ્રામ શાકભાજી ખાવી જોઈએ. જોકે, દેશમાં સૌથી વધુ શાકભાજી ખાતા રાજ્ય છત્તીસગઢમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 6.7 કિલો અને શહેરોમાં 8.3 કિલો શાકભાજી ખવાય છે, જે નિર્ધારિત માત્રાથી ખૂબ ઓછી છે. કઠોળ અને દાળ શાકાહારીઓ માટે દર મહિને આશરે 2.6 કિલોગ્રામ, કઠોળ અને દાળ માંસાહારીઓ માટે દર મહિને આશરે 1.7 કિલોગ્રામ.

ચિંતાજનક બાબત એ છે કે દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડેટા દર્શાવે છે કે લોકો દર મહિને 1 કિલોગ્રામથી પણ ઓછી દાળ કે કઠોળ ખાય છે. શાકાહારી લોકો માટે પ્રોટીન મેળવવાનો મુખ્ય સ્ત્રોત કઠોળ છે. આથી, શરીરમાં પ્રોટીનની ઉણપ થતાં નબળાઈ, થાક અને સ્નાયુઓની નબળાઈ જેવી સમસ્યાઓ વધી રહી છે.

સંતુલિત આહાર છે જરૂરી

નિષ્ણાતોના મતે માત્ર પેટ ભરવું એ તંદુરસ્તીની નિશાની નથી. સ્વસ્થ રહેવા માટે થાળીમાં અનાજ ઘટાડીને કઠોળ, લીલા શાકભાજી, મોસમી ફળો અને દૂધનું પ્રમાણ વધારવું જોઈએ. રોજિંદા જીવનમાં નાની આદતો બદલીને જેમ કે દરરોજ સલાડ ખાવું, જંક ફૂડ બંધ કરવું અને થાળીમાં દાળ-શાકનું પ્રમાણ વધારવું લાંબા ગાળે અનેક રોગોથી બચી શકાય છે. આખરે, સ્વસ્થ શરીર જ સુખી જીવનની સાચી મૂડી છે.