Somnath Temple: શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે કેવી રીતે પહોંચશો, આયોજન કરતાં પહેલા જાણી લો દર્શન-આરતીનો સમય અને જરૂરી નિયમો

શ્રાવણ માસમાં સોમનાથ મંદિરના દર્શન માટે આયોજન કરી રહ્યા છો? આ લેખમાં દર્શનના નિયમો, આરતીનો સમય અને ત્યાં કેવી રીતે પહોંચવું તેની સંપૂર્ણ માહિતી આપેલી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Jul 2026 08:20 PM (IST)Updated: Sun, 26 Jul 2026 08:20 PM (IST)
plan-your-visit-to-somnath-temple-in-gujarat-during-sawan

Shravan Special, Somnath Temple: હાલ અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને પંદરેક દિવસ બાદ ભગવાન શિવનો પ્રિય એવો શ્રાવણ માસ શરૂ થઈ જશે. શ્રાવણ મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ મહાદેવના મંદિરે માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ દેશ-વિદેશમાંથી શિવભક્તો દર્શન કરવા આવતા હોય છે. એવામાં જો તમે પણ શ્રાવણ માસમાં સોમનાથ મંદિરના દર્શન કરવા જવાનું વિચારી રહ્યા હોય, તો તમારે પ્લાનિંગ કરતાં પહેલા કેટલીક બાબતો ખાસ જાણવી જોઈએ.


હકીકતમાં સૌરાષ્ટ્રના વેરાવળ પાસે પ્રભાસ પાટણ ખાતે આવેલ સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગો પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. આ મંદિર તેની ભવ્ય વાસ્તુકલા, શાંત વાતાવરણ અને દરિયા કિનારે આવ્યું હોવાના કારણે માત્ર દેશ-વિદેશના શિવભક્તો ઉપરાંત સહેલાણીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ખાસ કરીને શ્રાવણ માસમાં સોમનાથમાં 30 દિવસ સુધી ભગવાનને અલગ-અલગ દિવ્ય શૃંગાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન દરરોજ લાખો શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. એવામાં આજે અમે આ અહેવાલમાં સોમનાથ મહાદેવના મંદિરમાં દર્શન સાથે સંકળાયેલા જરૂરી નિયમો અને ત્યાં કેવી રીતે પહોંચવું તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ...

બસો ઉપરાંત રેલવે અને ફ્લાઈટથી પણ સોમનાથ પહોંચી શકાય

આમ તો ગુજરાતના લગભગ દરેક મોટા શહેરોમાંથી સોમનાથ પહોંચવા માટે તમને સરકારી એસ.ટી બસો તેમજ ખાનગી લક્ઝરી બસો મળી જ જાય છે. જો કે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે જો તમારે વધારે હેરાન ના થવું હોય તો તમે ટ્રેન કે ફ્લાઈટ દ્વારા પણ સોમનાથ મંદિર પહોંચી શકો છો.

સોમનાથ મંદિરની સૌથી નજીક વેરાવળનું રેલવે સ્ટેશન આવેલું છે. આ સિવાય તને દીવ એરપોર્ટ પર ઉતરીને પણ સોમનાથ દર્શન કરવા માટે આવી શકો છો. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે તમને ભારતના લગભગ તમામ મોટા શહેરોથી સીધી ટ્રેન અને ફ્લાઈટ મળી જાય છે.

જો તમે ઓછા બજેટમાં અને સમયસર સોમનાથ જવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે ટ્રેન સૌથી બેસ્ટ રહેશે. જેના માટે ટ્રેનમાં તમારે વેરાવળ રેલવે સ્ટેશને ઉતરવું પડશે, જ્યાંથી સોમનાથ મંદિર 6 થી 7 કિલોમીટર દૂર છે. આવી જ રીતે દીવ એરપોર્ટથી સોમનાથ મંદિરનું અંતર 82 કિલોમીટર છે. દીવથી સોમનાથ પહોંચવા માટે તમને અનેક વાહનો મળી રહેશે, જે તમને એક કલાકમાં પહોંચાડી દેશે.

naidunia_image


સોમનાથ મંદિરમાં દર્શન સાથે સંકળાયેલા જરૂરી નિયમો

  • સોમનાથ મંદિરમાં મોબાઈલ, કેમેરા સહિત અન્ય ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ લઈ જવાની મનાઈ છે. એન્ટ્રી ગેટ નજીક તમને ક્લોક રૂમ મળી જશે, જ્યાં તમારે તમારા ઉપકરણો જમા કરાવવા પડશે.
  • મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા સિક્યુરિટી ચેકિંગ કરાવવું જરૂરી છે. મંદિરમાં ટૂંકા વસ્ત્રો કે શોર્ટસ પહેરીને અંદર નહીં જવા દેવામાં આવે.
  • શ્રાવણ મહિનો હોવાથી દર્શન માટે તમારે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડી શકે છે.
  • મંદિર પરિસરમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કરવાની મનાઈ છે. જો ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરતાં પકડાશો, તો દંડ ભરવો પડશે.
  • આરતીના સમયે ભક્તોની સંખ્યા સૌથી વધારે હોય છે. આથી સમય કરતાં વહેલા પહોંચવું તમારા માટે બહેતર રહેશે.
  • સોમનાથ મંદિરમાં સામાન્ય દર્શન માટે કોઈ ટિકિટ કે પૈસા ચૂકવવા નથી પડતા, તે એકદમ નિઃશુલ્ક છે. જો કે વિશેષ પૂજા કે અનુષ્ઠાન કરાવો, તો તેના માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે.

 

સોમનાથ મંદિર કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહે અને આરતી ક્યારે થાય

સોમનાથ મંદિરની સત્તાવાર વેબસાઈટ https://somnath.org/ પર જણાવ્યા મુજબ, સોમનાથ મંદિર દરરોજ સવારે 6 થી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. મંદિરમાં દિવસમાં ત્રણ વાર આરતી થાય છે. આથી તમે આરતીના સમય પ્રમાણે આયોજન કરી શકો છો.

આરતીના સમય જોઈએ તો, મંગળા આરતી સવારે 7 વાગ્યા, રાજભોગ આરતી બપોરે 12 વાગ્યે અને સંધ્યા આરતી સાંજે 7 વાગ્યે થાય છે. આ સિવાય મંદિર પરિસરમાં રાતે 8 થી 9 વાગ્યા દરમિયાન 'જય સોમનાથઃ 3D લાઈટ એન્ડ સાઉન્ડ શૉ' યોજવામાં આવે છે. જો કે વરસાદની સિઝન હોવાથી તેના સમયમાં કોઈ દિવસ ફેરફાર થઈ શકે છે.

આ તો થઈ સોમનાથ મહાદેવ મંદિરની વાત, પરંતુ અહીં આસપાસ આવેલ અન્ય અનેક સ્થળની મુલાકાત તમારા માટે યાદગાર થઈ શખે છે. સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં બાદ તમે નજીક આવેલ ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગીતામંદિર, પ્રભાસ પાટણ મ્યુઝિયમ અને બાણ સ્તંભ પણ ફરવા જઈ શકો છો.