Rahul Gandhi Dual Citizenship Row: ઉત્તર પ્રદેશમાં અલાહાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) લખનઉ ખંડપીઠે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi વિરુદ્ધ બ્રિટિશ નાગરિક્તા મામલે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ભાજપ કાર્યકર્તા એસ. વિગ્નેશ શિશિરની અરજી પર જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
એસ. વિગ્નેશ શિશિરનો આરોપ છે કે, રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે અને તેઓ બ્રિટિશ નાગરિક છે. આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને આ સંદર્ભે તપાસ કરવાનો અથવા કોઈ કેન્દ્રીય એજન્સી પાસે તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે.
હકીકતમાં કર્ણાટકના એસ. વિગ્નેશ શિશિર રાહુલ ગાંધીની બેવડી નાગરિક્તા મુદ્દે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવા માંગતા હતા, પરંતુ નિરાશા હાથ લાગતા આખરે તેમણે લખનઉની MP-MLAની વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરીને FIR દાખલ કરવાની માંગ કરી હતી.
અગાઉ કોર્ટે 28 જાન્યુઆરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાની વિગ્નેશ શિશિરની અરજી ફગાવી દીધી હતી, જે બાદ તેમણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
આ કેસમાં ફરિયાદી એસ. વિગ્નેશ શિશિરે પોતાની અરજીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ (સત્તાવાર ગુપ્તતા અધિનિયમ), પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ (વિદેશી અધિનિયમ) ની વિવિધ જોગવાઈઓ હેઠળ ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે.
વિગ્નેશ શિશિરે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી બ્રિટન સ્થિત કંપની 'બેકઓપ્સ લિમિટેડ' ના ડાયરેક્ટર હતા અને કંપનીના રેકોર્ડમાં તેમણે પોતાની રાષ્ટ્રીયતા બ્રિટિશ જાહેર કરી હતી. અગાઉ શિશિર ગૃહ મંત્રાલય પાસે રાહુલની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ પણ કરી ચૂક્યા છે.
