Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટા ખુલાસા, 5 લાખમાં AK-47 ખરીદી, વિસ્ફોટકો સુરક્ષિત રાખવા ડીપ ફ્રીઝરનો ઉપયોગ

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કાર બ્લાસ્ટ હુમલાની તપાસમાં એક મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક અને મલ્ટી-લેયર હેન્ડલર ચેઇનના સંકેતો મળ્યા છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 22 Nov 2025 12:29 PM (IST)Updated: Sat 22 Nov 2025 12:31 PM (IST)
delhi-blast-case-ak47-purchase-deep-freezer-use-and-terror-network-unveiled-642588

Delhi Blast Case Updates: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10 નવેમ્બરના રોજ કાર બ્લાસ્ટ હુમલામાં 15 લોકોના મોત થયા હતા. વિસ્ફોટકોથી ભરેલી કાર ચલાવતો હુમલાખોર ડો. ઉમર નબી આ હુમલામાં માર્યો ગયો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હુમલાની તપાસમાં એક મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક અને મલ્ટી-લેયર હેન્ડલર ચેઇનના સંકેતો મળ્યા છે.

5 લાખ રૂપિયામાં ખરીદાઈ હતી AK-47
સૂત્રોના જણાવ્યા અનુસાર ફરીદાબાદમાંથી 2500 કિલોગ્રામથી વધુ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યા બાદ ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ શકીલ ગનાઈએ લગભગ 5 લાખ રૂપિયામાં એક AK-47 રાઈફલ ખરીદી હતી. બાદમાં આ હથિયાર ડો. અદીલના લોકરમાંથી મળી આવ્યું હતું. એક ગુપ્તચર અધિકારીના મતે આ હથિયારની ખરીદી આ મોડ્યુલના તૈયારી અને ફંડિંગને દર્શાવે છે.

દરેક આરોપીના હતા અલગ-અલગ હેન્ડલર
આ 'વ્હાઇટ કોલર' આતંકવાદી મોડ્યુલના દરેક આરોપીનો અલગ-અલગ હેન્ડલર સાથે સંપર્ક હતો. ડો. મુઝમ્મિલનો હેન્ડલર અલગ હતો, જ્યારે બ્લાસ્ટના આરોપી ડો. ઉમર કોઈ બીજા હેન્ડલરને રિપોર્ટ કરી રહ્યો હતો. આ કેસમાં બે મુખ્ય હેન્ડલર મન્સૂર અને હાશિમના નામ સામે આવ્યા છે. આ હેન્ડલરોનો પણ એક અલગ હેન્ડલર હતો, જે સમગ્ર મોડ્યુલની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યો હતો. આ હેન્ડલર નેટવર્ક સંપૂર્ણપણે લેયર્સમાં વહેંચાયેલું હતું.

ગુપ્તચર એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે 2022 માં મુઝમ્મિલ, અદીલ અને અન્ય એક આરોપી મુઝફ્ફર અહેમદ ઓકાસા નામના વ્યક્તિના નિર્દેશ પર તુર્કી ગયા હતા, જે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે સંકળાયેલો છે. અધિકારીએ જણાવ્યું કે તેમને તુર્કીમાં હાજર એક સંપર્ક દ્વારા અફઘાનિસ્તાન પહોંચાડવાના હતા, પરંતુ લગભગ 1 અઠવાડિયા સુધી રાહ જોવડાવ્યા પછી હેન્ડલર પાછળ હટી ગયો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ઓકાસા ટેલિગ્રામ ID દ્વારા મુઝમ્મિલનો સંપર્ક કરતો હતો.

વિસ્ફોટકો સુરક્ષિત રાખવા માટે ડીપ ફ્રીઝરનો ઉપયોગ
ગુપ્તચર અધિકારીઓ અનુસાર ડો. ઉમર ઓનલાઈન બોમ્બ બનાવવાનો વીડિયો, મેન્યુઅલ અને ઓપન-સોર્સ સામગ્રી જોઈ રહ્યો હતો. તેણે નૂહમાંથી કેમિકલ અને ફરીદાબાદના ભગીરથ પેલેસ તથા એનઆઇટી માર્કેટમાંથી ઇલેક્ટ્રોનિક સામાન ખરીદ્યો હતો. કેમિકલને સુરક્ષિત રાખવા અને વિસ્ફોટક મિશ્રણ તૈયાર કરવા માટે તેણે એક ડીપ ફ્રીઝર પણ ખરીદ્યું હતું. આ ફ્રીઝરનો ઉપયોગ મિશ્રણને સ્થિર કરવા અને પ્રોસેસ કરવા માટે કરવામાં આવ્યો હતો.

અનેક જગ્યાએ એકસાથે હુમલા કરવાની યોજના
તપાસકર્તાઓએ પુષ્ટિ કરી કે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાં મુઝમ્મિલ અને ઉમર વચ્ચે પૈસાને લઈને ગંભીર ઝઘડો થયો હતો, જે ઘણા વિદ્યાર્થીઓએ જોયો હતો. આ ઝઘડા પછી ઉમરે તેની લાલ રંગની ઇકો સ્પોર્ટ કાર, જેમાં પહેલેથી જ વિસ્ફોટક હાજર હતો, તે મુઝમ્મિલને સોંપી દીધી હતી. ગુપ્તચર એજન્સીઓ મુજબ આ મોડ્યુલની યોજના હતી કે વિસ્ફોટકોને અલગ-અલગ સ્થળોએ મૂકવામાં આવે અને અનેક જગ્યાએ એકસાથે હુમલા કરવામાં આવે.