IndiGo Crisis: દેશની સૌથી મોટી એરલાઈન કપની ઈન્ડિગોના ઑપરેશનમાં સતત પાંચમા દિવસે એટલે કે શનિવારે પણ કોઈ ઠેકાણા નથી. ઘણાં શહેરોમાં આજે પણ ઈન્ડિગોની 400 જેટલી ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે. જેના પરિણામે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આવી સ્થિતિનો ફાયદો ઉઠાવતા અન્ય એરલાઈન્સ કંપનીએ પોતાના ભાડા વધારી દીધા છે. એવામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઈટનું ભાડું નક્કી કરવા સાથે-સાથે ઈન્ડિગોને તમામ મુસાફરોને 7 ડિસેમ્બર સુધી રિફંડ ચૂકવી દેવાનો આદેશ આપ્યો છે.
આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પોતાના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ મુસાફરોનું પેન્ડિંગ રિફન્ડ આગામી 7 ડિસેમ્બરે રાતે 8 વાગ્યા સુધીમાં ગમે તેમ કરી ચૂકવી દેવામાં આવે. જો આમ કરવામાં કંપની નિષ્ફળ જશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં મંત્રાલાયલે સ્પષ્ટતા કરી છે કે, જે પેસેન્જર્સની ફ્લાઈટ કેન્સલ થઈ છે, તેમની પાસેથી પણ કોઈ રી-શિડ્યુલિંગ ચાર્જ નહીં લેવામાં આવે. આ સાથે જ સ્પેશિયલ પેસેન્જર હેલ્પ ડેસ્ક અને રિફંડ સેલ બનાવવા માટેનો આદેશ આપ્યો છે.
આ સ્પેશિયલ સેલ અસરગ્રસ્ત મુસાફરોનો સામેથી સંપર્ક કરીને તેમના પુનઃબુકિંગ, રિફંડ અને મુસાફરીની વ્યવસ્થાને સરળ બનાવવાનું કામ કરશે. આવી જ રીતે ઈન્ડિગો મુસાફરોના ખોવાયેલ લગેજ 48 કલાકમાં તેમના ઘર સુધી પહોંચાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. વર્તમાન સ્થિતિમાં મુસાફરોની સુવિધાને પ્રાથમિક્તા આપવામાં આવવી જોઈએ અને ઑપરેશન વ્યવસ્થિત કરવામાં આવે. જો એમ નહીં કરવામાં આવે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સર થતાં દેશના મોટાભાગના એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાઈ છે. મુસાફરોને કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે, તો અનેક ઠેકાણે ઈન્ડિગો કાઉન્ટર પર અકળાયેલા મુસાફરો હલ્લાબોલ કરી રહ્યા છે.
પ્રાથમિક જાણકારી મુજબ, ઈન્ડિગોએ દિલ્હીમાં 106, મુંબઈમાં 109, હેદરાબાદમાં 69, ચેન્નાઈમાં 48, અમદાવાદમાં 19, જયપુરમાં 6, ચંદીગઢમાં 10 અને વિશાખાપટ્ટનમની 20 ફ્લાઈટોને રદ્દ કરી છે. જેના પરિણામે સેંકડો મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા છે.
