Vande Mataram New Bill 2026: રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'નું સન્માન જાળવવા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. આગામી 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીતનું અપમાન કરનારા અથવા તેના ગાનમાં ઈરાદાપૂર્વક અવરોધ ઊભો કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે સરકાર એક નવું બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આ પ્રસ્તાવિત 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ'ને પહેલેથી જ લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ જેવી જ સજાપાત્ર શ્રેણીમાં મુકાશે
નવા સંશોધન બિલનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને ભારતના અન્ય સર્વોચ્ચ રાષ્ટ્રીય પ્રતીકો સમાન દરજ્જો અને કાનૂની રક્ષણ આપવાનો છે. અત્યાર સુધી રાષ્ટ્રગીત 'જન ગણ મન', રાષ્ટ્રધ્વજ (ત્રિરંગો) અને ભારતીય બંધારણનું અપમાન કરવા બદલ કડક સજાની જોગવાઈઓ અમલમાં છે. હવે આ સુધારા બિલ સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) માં પસાર થયા પછી, વંદે માતરમનું અપમાન કરવું પણ આ જ કડક શ્રેણી હેઠળ સજાપાત્ર ગુનો બનશે.
જન્મ-મૃત્યુ નોંધણીના નિયમો પણ થશે કડક
આગામી સંસદ સત્રમાં સરકાર અન્ય એક મહત્વપૂર્ણ વિધેયક 'જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ' પણ રજૂ કરશે, જેને મંગળવારે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્ત અનુસાર, હવેથી જન્મ કે મૃત્યુની ઘટનાના બે વર્ષ કે તેથી વધુ સમય પછી થતી વિલંબિત નોંધણી પ્રક્રિયા અત્યંત કડક બનશે. આવી વિલંબિત નોંધણીઓ હવે માત્ર પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટના સત્તાવાર આદેશ બાદ જ માન્ય ગણાશે, જેથી સરકારી કાગળોમાં થતી ગેરરીતિઓ અટકાવી શકાય.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધશે
આ ઉપરાંત, ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકાર 'સુપ્રીમ કોર્ટ સુધારો બિલ' પણ સંસદ સમક્ષ લાવશે. આ બિલનો હેતુ અગાઉ બહાર પાડવામાં આવેલા વટહુકમને સંસદીય મંજૂરી અપાવવાનો છે, જેના અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સ્વીકૃત સંખ્યા ૩૩ થી વધારીને 37 કરવાની જોગવાઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્રની શરૂઆત થતાં જ આ તમામ બિલોને રજૂ કરવા માટેનો ચોક્કસ સમય અને એજન્ડા અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
