Swami Avimukteshwarananda Saraswati: કાશીના ધાર્મિક ક્ષેત્રમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારે કાશીના શ્રીવિદ્યામઠ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા શંકરાચાર્યએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 40 દિવસનું અલ્ટીમેટમ આપતા તેમને 'નકલી હિન્દુ' જાહેર કરવાની ચીમકી આપી છે.
પ્રમાણ સામે વળતું પ્રમાણ
તાજેતરમાં પ્રયાગરાજ માઘ મેળા દરમિયાન મેળા પ્રશાસને શંકરાચાર્ય પાસેથી તેમના પદનું પ્રમાણ માગ્યું હતું, જેનાથી વિવાદ વકર્યો હતો. આ અંગે શંકરાચાર્યએ આકરા શબ્દોમાં કહ્યું કે, "મેં તો મારા પદ અને પરંપરાનું પ્રમાણ આપી દીધું છે કારણ કે સત્યને કોઈ ડર નથી હોતો. પરંતુ હવે મુખ્યમંત્રીનો વારો છે. તેઓ 40 દિવસની અંદર સાબિત કરે કે તેઓ પોતે હિન્દુ છે."
ગૌરક્ષા અને હિન્દુત્વની કસોટી
શંકરાચાર્યએ હિન્દુ હોવા માટે 'ગૌ-સેવા'ને મુખ્ય માપદંડ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, માત્ર ભગવા વસ્ત્ર પહેરવા કે ભાષણ આપવાથી કોઈ હિન્દુ બની જતું નથી. જો યોગી આદિત્યનાથ ખરેખર હિન્દુ હોય, તો ગૌમાતાને 'રાજ્યમાતા'નો દરજ્જો આપીને તે સાબિત કરે. જે સરકાર ગૌમાતાનું રક્ષણ ન કરી શકે, તેને હિન્દુ કહેવડાવવાનો કોઈ અધિકાર નથી.
માંસ નિકાસ અને DNA ટેસ્ટનો ગંભીર આરોપ
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, ભારતમાંથી થતી માંસની નિકાસમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 40 ટકાથી વધુ છે. તેમણે દાવો કર્યો કે ભેંસના માંસના નામે ગૌવંશનું માંસ પણ નિકાસ કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારના ડીએનએ (DNA) પરીક્ષણ વગર આ વેપાર ચાલી રહ્યો છે.
લખનઉમાં ધર્મસભાની જાહેરાત
શંકરાચાર્યએ જાહેરાત કરી છે કે જો 40 દિવસમાં ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવામાં નહીં આવે, તો આગામી 10થી 11 માર્ચ દરમિયાન લખનઉમાં સમગ્ર સંત સમાજની એક વિશાળ 'ધર્મસભા' યોજવામાં આવશે. આ સભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 'નકલી હિન્દુ' ઘોષિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં ૧૧ દિવસના ધરણા બાદ કાશી પહોંચેલા શંકરાચાર્યના આ આક્રમક વલણથી ઉત્તર પ્રદેશના રાજકારણ અને ધર્મજગતમાં નવો વળાંક આવ્યો છે.
