CJP Protest: નીટ (NEET) પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર તેમજ આસપાસના વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી ચાલેલા હિંસક વિરોધ પ્રદર્શન પાછળનું ભયાનક સત્ય સામે આવ્યું છે. દિલ્હી પોલીસની તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના બેનર હેઠળ યોજાયેલા આ આંદોલનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં રીઢા અને ગંભીર ગુનાના આરોપીઓ પણ સામેલ હતા.
આંદોલન દરમિયાન થયેલા પથરાવ અને હિંસામાં દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના 240થી વધુ અધિકારીઓ અને જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
AI અને ફેસ રેકગ્નિશન સિસ્ટમથી ખુલ્લી પડી પોલ
પ્રદર્શન દરમિયાન સતત થતા પથરાવ અને વિરોધની શૈલી જોઈને પોલીસને આશંકા ગઈ હતી કે આંદોલનની આડમાં બહારના અસામાજિક તત્વો ઘૂસી ગયા છે. આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે દિલ્હી પોલીસે પ્રદર્શન સ્થળ અને આસપાસના રસ્તાઓ પર એઆઈ (AI) આધારિત 'ફેસ રેકગ્નિશન સિસ્ટમ' (FRS) કેમેરા ગોઠવ્યા હતા.
જ્યારે આ કેમેરાની મદદથી કેપ્ચર કરાયેલા સંદિગ્ધ ચહેરાઓને પોલીસના ગુનાહિત ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવ્યા ત્યારે ચોંકાવનારા આંકડા સામે આવ્યા. ભીડમાં હાજર 2,873 પ્રદર્શનકારીઓમાંથી 989 લોકોનો ગંભીર અને જઘન્ય ગુનાઓનો જૂનો ઇતિહાસ નીકળ્યો હતો. આ લોકો માત્ર સામાન્ય ગુના આચરનારા નહોતા, પરંતુ તેમાંથી ઘણા તો રીઢા અને હિસ્ટ્રીશીટર અપરાધીઓ હતા.
કેવા-કેવા ગુનેગારો ભીડમાં સામેલ હતા? (પોલીસના આંકડા)
દિલ્હી પોલીસના ડેટા અનુસાર, વિદ્યાર્થીઓના નામે ભેગી થયેલી ભીડમાં જઘન્ય ગુનાના આરોપીઓ હાજર હતા-
- હત્યાના કેસ: 101cઅપરાધીઓ (જેમાંથી 12 લોકો 10થી વધુ ગુનાઓમાં સામેલ છે)
- હત્યાના પ્રયાસ: 62 આરોપીઓ
- લૂંટફાટ: 284 આરોપીઓ (જેમાંથી 31 લોકો 10થી વધુ કેસમાં સામેલ)
- દુષ્કર્મ (રેપ) અને પોક્સો (POCSO): 67 આરોપીઓ (61 રેપ + 6 પોક્સો)
- બળજબરી: 25 આરોપીઓ
- આર્મ્સ એક્ટ (ગેરકાયદે હથિયાર): 229 આરોપીઓ
- ચોરી અને સ્નેચિંગ: 135 આરોપીઓ
- એનડીપીએસ : 67 આરોપીઓ
- અપહરણ : 19 આરોપીઓ
દિલ્હી પોલીસ ચલાવશે દરોડા
દિલ્હી પોલીસના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે જંતર-મંતર પર થયેલા હિંસક પ્રદર્શનમાં સામાન્ય વિદ્યાર્થીઓ જ નહોતા, પરંતુ એક આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે રીઢા ગુનેગારોની ભીડ ભેગી કરવામાં આવી હતી. એઆઈ કેમેરા દ્વારા તમામ આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે અને હવે દિલ્હી પોલીસ આ ચિહ્નિત અસામાજિક તત્વો અને ક્રિમિનલ્સને પકડવા માટે મોટા પાયે દરોડા પાડવાની તૈયારી કરી રહી છે.
