દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં હવે ન્યાય મળવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. વર્ષોથી અદાલતોના ચક્કર કાપી રહેલા લાખો સામાન્ય નાગરિકો માટે બુધવારનો દિવસ મોટા સમાચાર લઈને આવ્યો છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી 'સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સંશોધન વિધેયક, 2026' ધ્વનિ મતથી પસાર થઈ ગયું છે. આ બિલ પસાર થવાની સાથે જ હવે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત જજોની કુલ માન્ય સંખ્યા 34થી વધીને 38 થઈ ગઈ છે.
જજોની સંખ્યામાં થયેલા આ ચાર નવા વધારાથી વર્ષોથી પેન્ડિંગ પડેલા હજારો કેસોના ઝડપી નિકાલ માટેનો માર્ગ મોકળો થયો છે.
આ પણ વાંચો
CJI સૂર્યકાંતની વિનંતી અને વધી રહેલો વર્કલોડ
રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ બિલ રજૂ કરતા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, દેશની ન્યાય પ્રણાલીને મજબૂત કરવી અને સામાન્ય માણસ સુધી ન્યાય સુલભ બનાવવો એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે વડાપ્રધાનને પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં સતત વધી રહેલા કેસોના ભારણ (વર્કલોડ) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દર વર્ષે હજારો નવા કેસો દાખલ થવાને કારણે જૂના કેસોના નિકાલમાં વિલંબ થઈ રહ્યો હતો. CJIની આ વિનંતી અને ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પહેલાં વટહુકમ અને હવે આ સંશોધન વિધેયક લાવવાનો નિર્ણય કર્યો છે.
2019 પછી પહેલીવાર થયો આ ઐતિહાસિક વધારો
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આ પહેલા છેલ્લે વર્ષ 2019માં ન્યાયાધીશોની સંખ્યા વધારીને 31થી 34 કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં આવતા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાયો હતો, પરંતુ જજોની સંખ્યા મર્યાદિત હતી.
વર્ષ 2026ના મે મહિનામાં સરકાર આ સંદર્ભે એક વટહુકમ (Ordinance) લાવવામાં આવ્યો હતો. આ વટહુકમ બાદ 1 જૂનથી જ પાંચ નવા ન્યાયાધીશોની નિયુક્તિ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, વર્ષોથી અટકેલા જૂના સિવિલ અને ક્રિમિનલ કેસોનો ઝડપથી ઉકેલ લાવવા માટે ચાર વિશેષ (ખાસ) બેન્ચ પણ કાર્યરત કરી દેવામાં આવી છે.
સામાન્ય નાગરિકોને શું ફાયદો થશે?
ઝડપી ન્યાય: જજોની સંખ્યા વધવાથી હવે સુપ્રીમ કોર્ટમાં દૈનિક ધોરણે વધુ કેસોની સુનાવણી શક્ય બનશે.
તારીખ પે તારીખથી મુક્તિ: વર્ષોથી પેન્ડિંગ પડેલી સિવિલ અને ક્રિમિનલ અપીલોનો ઝડપી નિકાલ આવશે.
ચુકાદાઓ ઝડપી આવશે: ખાસ બેન્ચોની રચનાને કારણે બંધારણીય અને જટિલ કાનૂની મુદ્દાઓ પર જલ્દીથી નિર્ણય આવી શકશે, જેથી સામાન્ય અરજદારોના સમય અને નાણાં બંનેની બચત થશે.
સરકારના આ પગલાથી ભારતીય ન્યાય પ્રણાલીમાં એક નવો આશાવાદ જાગ્યો છે અને લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહેલા લોકોને મોટી રાહત મળશે.
