Cyberstalking: ધો.12ના વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડના ઘરના CCTV હેક કર્યાં, મોબાઈલમાં દરેક હિલચાલ પર નજર રાખતો; પાડોશીઓએ પકડી પોલીસને હવાલે કર્યો

લબરમૂછિયો ગર્લફ્રેન્ડના ઘરની બહાર આંટાફેરા મારતો હોવાથી પાડોશીઓને શંકા જતાં પકડ્યો. ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ચેક કરતાં ગર્લફ્રેન્ડના ઘરનો લાઈવ વીડિયો ચાલુ હતુ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 03 Dec 2025 09:10 PM (IST)Updated: Wed 03 Dec 2025 09:10 PM (IST)
omg-news-cyberstalking-std-12th-student-hack-girlfriend-home-cctv-camera-live-video-649113
HIGHLIGHTS
  • સુરક્ષા માટે લગાવવામાં આવતા CCTVને લબરમૂછિયાએ જાસૂસીનું હથિયાર બનાવ્યું

OMG News: આજના યુગમાં ઝડપથી બદલાતી જતી દુનિયામાં ટેક્નોલૉજી આપણા રોજિંદા જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. ટેક્નોલૉજી આપણને વધારે કુશળ બનાવે છે, તો સામે કેટલાક પડકારો પણ ઉભા કરે છે. હાલ ટેક્નોલૉજીએ આપણી જિંદગી ભલે સરળ બનાવી દીધી હોય, પરંતુ જો તેનો દુરુપયોગ થાય અર્થાત ખોટા હાથમાં આવી જાય, તો તેનું કેવું ગંભીર પરિણામ આવે તેની કલ્પના પણ અશક્ય છે. એવામાં આવોજ એક કિસ્સો આસામમાંથી સામે આવ્યો છે.

હકીકતમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પોતાની ગર્લફ્રેન્ડ પર ચાંપતી નજર રાખવા માટે તેના ઘરના CCTV કેમેરાને જ હેક કરી લીધા હતા. આ લબરમૂછિયો પોતાના મોબાઈલ થકી 24 કલાક ગર્લફ્રેન્ડના ઘરમાં થતી દરેક હિલચાલ પર નજર રાખતો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આસામના શ્રીભૂમિ જિલ્લામાં આવેલા રહેણાંક કોમ્પલેક્સની આસપાસ એક યુવક આંટાફેરા કરતો હતો. આથી પાડોશીઓને યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને પકડીને પૂછપરછ હાથ ધરી હતી.

જો કે શરૂઆતમાં તો યુવક ગલ્લાતલ્લા કરવા લાગ્યો, પરંતુ જ્યારે પાડોશીએ તેનો મોબાઈલ કાઢીને ચેક કર્યો તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. યુવકના મોબાઈલમાં એક વીડિયો LIVE ચાલી રહ્યો હતો. પાડોશીઓએ જોયું કે, આ વીડિયો કોઈ ફિલ્મ કે સોશિયલ મીડિયા રીલ્સ નથી, પરંતુ તેમની જ ફ્લેટના એક ઘરના CCTV ફૂટેજ છે.

આથી પાડોશીએ આગવી ઢબે પૂછપરછ કરતાં યુવક ભાંગી પડ્યો હતો. જેમાં સામે આવ્યું કે, યુવકે પોતાની ગર્લફ્રેન્ડના ઘરમાં રહેલા CCTV સિસ્ટમનું એક્સેસ મેળવી લીધુ હતુ. જે બાદ તે ફોનની મદદથી જોતો હતો કે, તેીન ગર્લફ્રેન્ડ ક્યારે ઘરે આવે છે અને ક્યારે બહાર નીકળે છે. ગર્લફ્રેન્ડના ઘરમાં કોણ-કોણ છે અને તે આખો દિવસ શું કરી રહી છે?

લીગલ લેન્ગ્વેજમાં આને સાયબર સ્ટૉકિંગ અર્થાત ડિજિટલ સ્ટૉકિંગ કહેવામાં આવે છે. પાડોશીઓને પણ નવાઈ લાગી રહી છે કે, જે CCTVને લોકો પોતાની સુરક્ષા માટે ઈન્સ્ટોલ કરાવે છે, તેને જ આ લબરમૂછિયાએ જાસૂસીનું હથિયાર બનાવી દીધુ. હાલ તો પાડોશીઓએ યુવકને પોલીસને હવાલે કરી દીધો છે. જો કે તે 12માં ધોરણમાં અભ્યાસ કરતો એક સગીર હોવાથી તેના પર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.