નારાયણ સાંઈ બળાત્કાર કેસ: અપીલ પર 3 મહિનામાં નિર્ણય લેવા ગુજરાત હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ

સજા મોકૂફ અને વચગાળાના જામીન અરજી પરના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને નારાયણ સાંઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 07 Aug 2026 03:33 PM (IST)Updated: Fri, 07 Aug 2026 03:33 PM (IST)
supreme-court-asks-gujarat-high-court-to-decide-on-narayan-sai-appeal-in-rape-case
Supreme Court on Narayan Sai appeal

Narayan Sai rape case: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે કે તેઓ વર્ષ 2013 ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર થયેલા નારાયણ સાંઈની પડતર અપીલ પર આગામી 3 મહિનાની અંદર નિર્ણય લેવા માટેના તમામ પ્રયાસો કરે.

આરોપની અપીલ પર સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

આ સાથે જ જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પી. બી. વરાલેની ખંડપીઠે નારાયણ સાંઈની આજીવન કેદની સજા મોકુફ રાખવાનો ઈનકાર કરનાર ગુજરાત હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે, નારાયણ સાંઈએ પોતાની સજા વિરુદ્ધનો કાનૂની પડકાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જ ચાલુ રાખવો જોઈએ.

મે મહિનામાં હાઈકોર્ટે જામીન નકાર્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષના મે મહિનામાં ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈની સજા મોકૂફ રાખવાની અને વચગાળાના જામીન આપવાની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમને કોઈ વચગાળાની રાહત આપવાનો ઈનકાર કર્યો છે.

શું છે બળાત્કાર કેસનો સમગ્ર મામલો?

આ કેસ આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈ સામે તેમની જ એક ભૂતપૂર્વ શિષ્યા દ્વારા વર્ષ 2013માં નોંધાવવામાં આવેલી બળાત્કારની ફરિયાદ સાથે જોડાયેલો છે. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે એપ્રિલ 2019 માં નારાયણ સાંઈને બળાત્કારના ગુનામાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટના આ ચુકાદા અને સજા સામે નારાયણ સાંઈ દ્વારા દાખલ કરવામાં આવેલી મુખ્ય અપીલ હાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.